અખંડાનંદજી આશ્રમ-પુનાટ ખાતે આદિજાતિ રાજ્‍ય મંત્રીની ઉપસ્‍થિતિમાં ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

વલસાડ તા. ૨૪ : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પુનાટ ગામે અખંડાનંદજી આશ્રમમાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરે આદિજાતિ વિકાસ અને વન વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરની ઉપસ્‍થિતિમાં ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ગૌમુત્ર અને છાણમાંથી બનાવેલી આયુર્વેદિક દવાઓનો સ્‍ટોલ ‘ગૌ તીર્થોદક પંચગવ્‍ય ઔષધાલય’નું ઉદ્‌ઘાટન રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

        આ કાર્યક્રમમાં રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે ગુરુપૂર્ણમાના પાવન પર્વે ગુરુને વંદન કરતાં જણાવ્‍યું કે, સમાજને ઉચ્‍ચ વિચારો આપવા માટે કાર્યરત અખંડાનંદ આશ્રમની કામગીરી સરાહનીય છે. સંત એક અવાજ કરે એટલે ગાય દોડતી આવી રહી તે દુર્લભ ઘટના છે. ગૌમુત્ર અને છાણમાંથી બનાવેલી આયુર્વેદિક ઔષધી આપણા જીવન માટે ખુબ ઉપયોગી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, રાજયમાં આવેલા ધાર્મિક સ્‍થળોમાં આવતા શ્રદ્ધાળુઓને સારી સુવિધા મળી રહે તે માટે રાજ્‍ય સરકાર સંસ્‍થાને સહાય આપે છે. સંવેદનશીલ રાજ્‍ય સરકાર દ્વારા કોરોના મહામારી સમયે જરૂરિયાતમંદોને વિનામૂલ્‍યે અનાજ આપવા ઉપરાંત ગરીબોને સસ્‍તાભાવે દવાઓ મળી રહે તેવી વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી હતી. આજે ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહયું છે, ત્‍યારે આપણે એકતા જાળવવાની સાથે ભારતીય સંસ્‍કૃતિનું જતન અને રક્ષણ કરીએ તેવો મંત્રીશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.

        અખંડાનંદ આશ્રમના મહંત અખંડાનંદ સરસ્‍વતી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્‍યું હતું કે, આ આશ્રમના વિકાસમાં નાના-મોટા અનેક દાતાઓનું યોગદાન છે. આપણે સૌ ધર્મના સિદ્ધાંતોને પકડીને ચાલીશું તો જીવનમાં આનંદ અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્‍ત થશે. શ્રીરામ, શ્રીકૃષ્‍ણ, સ્‍વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્‍મા ગાંધીજી જેવા બની બીજાને સુખી કરવાના પ્રયાસો કરવાની સાથે ધર્મના સિદ્ધાંતો અને ગુરુના વિચારો જીવનમાં ઉતારીશું ત્‍યારે ગુરુપૂર્ણિમાની ઉજવણી સાર્થક ગણાશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

        આ કાર્યક્રમમાં પુરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્‍યક્ષ મુકેશભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ધાંગડા, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપભાઇ ભંડારી, મહામંત્રી પ્રકાશભાઇ પટેલ, અગ્રણી રામદાસભાઇ વરઠા, મણિલાલ પટેલ, મહેશભાઇ ભટ્ટ, ઉમરગામ તાલુકાના યુવા મોર્ચા પ્રમુખ હસમુખભાઈ, તાલુકા પંચાયત સભ્‍યો તથા સંતો અને શ્રદ્ધાળુઓ ઉપસ્‍થિત રહયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *