ઊર્જાયાત્રામાં ગુજરાતની ઐતિહાસિક પહેલ
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર
GSECL પ્રથમવાર ન્યુક્લિયર પાવર ક્ષેત્રે પ્રવેશ કરશે
ધુવારણ ખાતે આશરે ૪૦૦૦ મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ
આશરે રૂ.૧ લાખ કરોડના રોકાણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં ઊર્જા ક્ષેત્રે નવીનતમ પહેલ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત સરકારમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ અનેકવિધ પહેલ હાથ ધરાઈ છે.

ગુજરાતની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની તથા સ્વચ્છ અને વિશ્વસનીય ઊર્જાના વિકાસને વેગ આપવાની દિશામાં રાજ્ય સરકારે આજે મહત્વપૂર્ણ પહેલ કરી છે અને છ દાયકાથી વધુ સમય બાદ ગુજરાતની ધરતી પર નવા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટનાં મંડાણ થવા જઈ રહ્યાં છે.
આ દિશામાં, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે ગુજરાતમાં નવા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટના વિકાસ માટે ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે.
ઊર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવશ્રી અને GSECLના ચેરમેનશ્રી અશ્વિની કુમાર (IAS) તથા NPCILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરશ્રી વી. રાજેશની ઉપસ્થિતિમાં આ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ તમામ પરમાણુ પ્રોજેક્ટ્સ ‘શાંતિ એક્ટ, ૨૦૨૫’ અંતર્ગત સંચાલિત થશે, જેના નિયમો તાજેતરમાં ૧૪ ઑગસ્ટ ૨૦૨૬ના રોજ પ્રકાશિત કરાયા છે. આ સુરક્ષા કાયદા અન્વયે પરમાણુ પાવર પ્લાન્ટનું નિર્માણ, ઇંધણ ઉત્પાદન અને પરમાણુ સામગ્રીના સંચાલન માટે માત્ર કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા સરકારી વિભાગો, કંપનીઓ અથવા સંયુક્ત સાહસો માટે જ લાઇસન્સ મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
આ MoUની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે ગુજરાત સરકારની વીજ ઉત્પાદન કંપની GSECL પ્રથમવાર ન્યુક્લિયર પાવર ક્ષેત્રમાં પ્રવેશ કરશે. ગુજરાતે સૌર, પવન અને અન્ય નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કર્યા બાદ હવે ન્યુક્લિયર ઊર્જાના ક્ષેત્રે પણ પહેલ કરી છે. આ કરાર ગુજરાતની ઊર્જા યાત્રામાં ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે અને રાજ્યને સ્વચ્છ તથા સ્થિર બેઝલોડ વીજળી ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ધુવારણ ખાતે આશરે ૪૦૦૦ મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટથી ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતામાં આશરે ૪૦૦૦ મેગાવોટનો નોંધપાત્ર વધારો થશે અને આનાથી આશરે રૂ.૧ લાખ કરોડનું સંભવિત રોકાણ થશે. આ પ્રોજેક્ટથી રોજગારી, ઔદ્યોગિક વિકાસ અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે તેમજ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને ભારતના નેટ ઝીરો લક્ષ્યને બળ મળશે તથા ગુજરાતની ઊર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતા વધુ મજબૂત બનશે.
નવીનીકરણીય ઊર્જાને મળશે પૂરક આધાર
ગુજરાતે વર્ષ-૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટથી વધુ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. સૌર અને પવન ઊર્જા કુદરતી પરિબળો પર આધારિત હોવાથી વીજ ગ્રીડની સ્થિરતા માટે સતત ઉપલબ્ધ વીજ ઉત્પાદનના સ્રોતોનું મહત્વ વધે છે. ન્યુક્લિયર ઊર્જા સતત અને વિશ્વસનીય વીજળી પૂરી પાડવાની ક્ષમતા ધરાવતી હોવાથી તે નવીનીકરણીય ઊર્જાને પૂરક બની શકે છે.
આ MoU હેઠળ GSECL એ જમીન તથા સહાયક માળખાકીય સુવિધાઓનું મૂલ્યાંકન હાથ ધરવાનું રહેશે અને NPCIL દ્વારા સ્થળ સર્વેક્ષણ, તકનીકી અભ્યાસ અને જરૂરી નિષ્ણાત માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. આગામી તબક્કાની કામગીરી સ્થળની તકનીકી અને આર્થિક વ્યવહારિકતા તથા જરૂરી વૈધાનિક મંજૂરીઓના આધારે નક્કી કરવામાં આવશે.
આ પહેલ ગુજરાતની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની સાથે સ્વચ્છ, વિશ્વસનીય અને ઓછા કાર્બન ઉત્સર્જનવાળી ઊર્જા વ્યવસ્થાના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. GSECL અને NPCIL નું આ ઐતિહાસિક જોડાણ “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ઊર્જા ક્રાંતિનું નવું પ્રકરણ લખશે.