ઊર્જા મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રહલાદનગર વેજિટેબલ માર્કેટ ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું

અમદાવાદ શહેર-જિલ્લામાં એક સાથે કુલ સાત સ્થળે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો ખુલ્લાં મૂકાયાં

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજન

અમદાવાદના પ્રહલાદનગર ખાતેની મ્યુનિસિપલ શાક માર્કેટ ખાતે ઊર્જા મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આયોજન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો તેમજ પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત વિવિધ ખાદ્ય પદાર્થો અને ચીજવસ્તુઓ અંગેની જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આજે સમગ્ર રાજ્યમાં એક સાથે 34 જેટલી જગ્યાએ આ પ્રકારનાં ભવ્ય આયોજન કરવામાં આવ્યાં છે. આ આયોજન પાછળ રાજ્ય સરકારનો એક જ મુખ્ય હેતુ છે કે આપણા સમાજના દરેક નાગરિક સુધી અને છેવાડાના માણસ સુધી યોગ્ય અને પોષણયુક્ત આહાર પહોંચી શકે.

તેમણે ઉમેર્યું કે આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે દિવસે ને દિવસે નવી-નવી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. આવા કપરા સમયમાં, જો આપણે આપણી આવનારી પેઢીને અને આપણા સ્વાસ્થ્યને બચાવવું હશે, તો પ્રાકૃતિક ખેતી એ આજના સમયની તાતી જરૂરિયાત છે. રસાયણમુક્ત અને શુદ્ધ ખોરાક જ આપણને બીમારીઓથી બચાવી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.

પ્રભારી મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીની મોટી ઝૂંબેશ ચલાવી રહ્યા છે.

રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે અને તેમના ઉત્પાદનોના યોગ્ય વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ તથા બજાર વ્યવસ્થા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. રાજ્યના નાગરિકોની સુખાકારી અને સ્વાસ્થ્યની ચિંતા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે આત્માના ડાયરેક્ટર શ્રી કે.કે. પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ સાત સ્થળોએ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ શહેરમાં બે તથા તાલુકા કક્ષાએ ધોળકા, બાવળા, માંડલ, વિરમગામ અને સાણંદમાં એક-એક કેન્દ્રનો સમાવેશ થાય છે.

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા તથા પ્રાકૃતિક કૃષિનાં ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આવાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો મહત્વપૂર્ણ બની રહેશે. ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશો શહેરી ગ્રાહકો સુધી સીધી રીતે પહોંચે અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યે લોકોમાં વધુ જાગૃતિ તથા સ્વીકાર વધે તે દિશામાં આ પહેલ ઉપયોગી સાબિત થશે.

આ પ્રસંગે અમ્યુકોની પાણી સમિતિના ચેરમેન ધરમશી દેસાઈ તથા કોર્પોરેટર દેવાંગભાઈ દાણી, ભાગ્યેશ પટેલ તેમજ સુશ્રી નયનાબેન કોટક, સંયુક્ત ખેતી નિયામક ડૉ. મીનાબેન દવે અને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *