ડિજિટલ ટ્રાન્ઝેક્શન પેમેન્ટ કરીને વડાપ્રધાનશ્રીના ડિજિટલ ભારત સંકલ્પને વેગ આપ્યો
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ખાદીના ઉપયોગ અને ખરીદીનો વ્યાપ વધારી ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક આધાર આપવા કરેલી અપીલનો પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જયંતિ અવસરે ગાંધીનગરમાં ખાદી હાટમાંથી ખાદી ખરીદી કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાદી ફોર ફેશન-ખાદી ફોર નેશનના મંત્ર સાથે ખાદીના ઉપયોગ અને ખાદી ખરીદીનો વ્યાપ વધારવાની કરેલી અપીલનો મુખ્યમંત્રીશ્રીએ પ્રતિસાદ આપ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈને ગાંધીનગર પરત આવતાવેંત સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ખાદી ગ્રામોદ્યોગ હાટ પહોંચ્યા હતા. તેમણે આ ખાદી ભંડારામાંથી વિવિધ ખાદી વસ્ત્ર ઉત્પાદનો ખરીદ કરીને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપવાના વડાપ્રધાનશ્રીના આહવાન અનુરૂપ ડિજિટલ પેમેન્ટ કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાદીના ઉત્પાદનો અને ખાદી ખરીદી દ્વારા ખાદી વણાટ સાથે સંકળાયેલા ગરીબ જરૂરતમંદ પરિવારોના જીવનમાં આર્થિક આધાર આપવાની અનુકરણીય પહેલ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળથી શરૂ કરાવેલી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજે ખાદી ખરીદી કરીને તેને વધુ વેગ આપ્યો હતો. મુખ્યમંત્રી સાથે ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ તેમજ પદાધિકારીઓ પણ આ વેળાએ જોડાયા હતા.