નવસારી રામજીમંદિર હોલ ખાતેશ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરી શિક્ષક દિનની ઉજવણી કરાઇ
ગુજરાત રાજય શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર નવસારીના સંયુકત ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ ગુજરાત રાજયના સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં રામજી મંદિર હોલ, નવસારી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, તા. ૫ મી સપ્ટેમ્બરને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. ભારતના મહાન તત્વજ્ઞાની વિચારક શિક્ષક, અર્થશાસ્ત્રી અને રાજવી ચંદ્રગૃપ્તના મોર્યના ગુરૂ એવા ચાણકયના શબ્દો છે કે ‘શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ ’. . શિક્ષક શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનિષ્ઠતાનો ત્રિવેણી સંગમ. ગુરુના જ્ઞાન, પ્રેરણા અને પ્રયત્નોથી જ વ્યકિતનું વ્યકિતત્વ ખીલે છે. બાળકોના ચરિત્રનું ઘડતર શિક્ષક જ કરતાં હોય છે શિક્ષક એક શિલ્પકારથી પણ ચડિયાતા કહેવાય કારણ કે શિલ્પકાર પથ્થરને કંડારીને માત્ર નિર્જીવ મૂર્તિઓ બનાવે જયારે શિક્ષક તો પ્રેમ, દયા, કરૂણા અને ગમા-અણગામા જેવી લાગણીઓથી ભરપૂર એવા જીવંત વ્યકિતઓને કંડારીને તેને સુંદર બનાવે છે. વ્યકિતના જીવન ઘડતરમાં શિક્ષકનો ફાળો અમૂલ્ય છે. જીવનમાં આવતા સંઘર્ષો સામે લડવામાં વ્યકિતને યોગ્ય શિક્ષક જ બનાવે છે. ભારતની સંસ્કૃતિ ગુરુ અને શિષ્યની છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ એક એવું હથિયાર છે કે ગરીબી દૂર કરવા શિક્ષણ ખૂબ જ મહત્વનું છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા રાજય સરકારે અનેક પગલાંઓ લીધા છે. તેઓએ રાષ્ટ્રપતિ ડા+.અબ્દુલ કલામ અને એકલવ્યની વાતો કરી ગુરૂની મહત્વત્તા વિશે સમજાવી હતી. મંત્રીશ્રીએ પોતાના જીવનમાં જે પ્રગતિ થઈ છે તેમાં મારા શિક્ષક અને માતા પિતાનાં સંસ્કારોનું મહત્વ છે તેમ જણાવ્યું હતું.નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇએ શાળાનાં દિવસો યાદ કરતાં જણાવ્યું હતું કે જિલ્લામાં શિક્ષણ માટે સતત ચિંતિત રહીએ છીએ કારણકે શિક્ષણ જ સમાજનાં ઘડતરમાં મહત્વનું યોગદાન આપી શકે છે. હવે બાળકો ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લઇ રહયાં છે. શિક્ષક દિને શ્રેષ્ઠ પારિતોષિક સન્માન મેળવનાર તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં.જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, સમાજમાં સંસ્કાર સિંચનનું કામ શિક્ષકો કરતાં હોય છે. તેઓ શિક્ષક દંપતિના સંતાન છે તેમ જણાવ્યું હતું. નવસારી આખા ગુજરાતમાં દરેક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે શિક્ષક દિન નિમિતે તમામને શુભકામના પાઠવી હતી.આ પ્રસંગે નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશ શાહ તથા વ્યારા હોમીયોપેથિક કોલેજના પ્રોફેસર ડો.ઘનશ્યામ પટેલે શિક્ષક દિન વિશે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે શ્રી દા.એ.ઇટાલિયા સાર્વજનિક હાઇસ્કુલ, ચીખલીના શ્રેષ્ઠ શિક્ષક શ્રી જીતેન્દ્રકુમાર પરમારને પ્રશસ્તિપત્ર, રોકડ ઇનામ અને શાલી ઓઢાડી સન્માનિત કરાયા હતાં. તેમજ જિલ્લાના પ્રતિભાશાળી ૬ શિક્ષકો તથા ૧૨ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતાં. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રીદર્શનાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ચૌધરી, શાસનાધિકારીશ્રી ભૂમિકાબેન સહિત પદાધિકારીઓ/અધિકારીઓ તથા શિક્ષકમિત્રો ઉપસ્થિત રહયાં હતાં.







