પ્રભારી મંત્રીશ્રી દ્વારા જનઉપયોગી અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા તાકીદ કરાઈ
રાજ્યના કૃષિ મંત્રી અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી. ફળદુની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે વિકેન્દ્રીત જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં સહભાગી થતા પ્રભારીમંત્રીશ્રીએ નપ્રતિનિધિઓ અને અમલીકરણ અધિકારીઓને જનઉપયોગી અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા માટે તાકીદ કરી હતી. મંત્રીશ્રીએ કહ્યું કે, આપણે લોકચર્ચામાંથી એજન્ડા તૈયાર કરી અને પંચાયત તેમ જ નગરપાલિકા સ્તરના કામનું આયોજન કરીએ છીએ ત્યારે આપણે આ કામો વધુ જનઉપયોગી બની રહી તેની પણ વિશેષ કાળજી લઈએ. પ્રભારીમંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિએ જનમત મેળવ્યા બાદ સર્વ-સમાજનું કામ કરવું જોઈએ, પારદર્શકતાથી કરવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, પ્રજાને સ્વભાવિકપણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે અપેક્ષા હોય જ અને એટલે જ મંજૂર થયેલા કામ સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તેવુ સુચારુ આયોજન કરીએ. આ અવસરે અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલેએ પણ અમલીકરણ અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને સમયબદ્ધ અમલીકરણ દ્વારા ગ્રાન્ટનો અર્થપૂર્ણ ઉપયોગ કરવા માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી પારુબહેન પઢાર, અમદાવાદ મહાનગરપાલિકા મેયર શ્રી કિરીટભાઈ પરમાર તેમ જ વિરમગામ ધારાસભ્ય શ્રી લાખાભાઈ ભરવાડ અને ધંધુકા ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ તેમ જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલીયા સહિતના ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




