ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય-અધિકારીતા વિભાગની પ્રત્યક્ષ મુલાકાત લઈ જરૂરી સૂચનો કરતાં મંત્રીશ્રી પ્રદીપ પરમાર

છેવાડાના લાભાર્થીને વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો વધુ સરળ, ઝડપી અને મહત્તમ લાભ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર

ગુજરાતના છેવાડાના પ્રત્યેક લાભાર્થીને સામાજિક ન્યાય-અધિકારીતા વિભાગ અંતર્ગત આવતી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો વધુ સરળ, ઝડપી અને મહત્તમ લાભ મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે તેમ આજે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રત્યક્ષ મુલાકાત વેળાએ જણાવ્યું હતું.  મંત્રીશ્રીએ કહ્યું હતું કે સમાજના મહત્તમ લોકોને સામાજિક ન્યાય-અધિકારીતા વિભાગની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ સ્પર્શે છે. આ તમામ જરૂરિયાતમંદ લોકોને આપણા વિભાગની યોજનાઓની માહિતી અને તેનો લાભ સરળતાથી સોશિયલ મીડિયાના વિવિધ ટૂલ્સ જેવાં કે, વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, FM રેડિયો અને ઇન્સ્ટાગ્રામ વગેરે દ્વારા મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જેથી છેવાડા સુધીના વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચી શકાય અને સમાજના તમામ વર્ગને લાભ મળે તે દિશામાં આપણે આગળ વધવુ પડશે તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ તેમના વિભાગ અંતર્ગત આવતા સમાજ સુરક્ષા, અનુસૂચિત જાતિ કલ્યાણ અને વિકસતી જાતિની વિવિધ કામગીરી-યોજનાઓની માહિતી મેળવી તેમાં જરૂરી સૂચનો કર્યાં હતાં. મંત્રીશ્રીએ તેમના વિભાગ અંતર્ગત ખાલી જગ્યાઓ સત્વરે ભરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા તેમજ અન્ય વિભાગોમાં ચાલતી અનુસૂચિત જાતિ કલ્યાણને લગતી યોજનાઓની સમયાંતરે સમીક્ષા કરવાની પણ સૂચના આપી હતી.આ ઉપરાંત વિભાગનું બજેટ, મહેકમની વર્તમાન સ્થિતિ સહિતની કામગીરીથી વધુ માહિતગાર થવા માટે વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને મંત્રી પરમારે જરૂરી સૂચનો-માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી શ્રી પરમારે વિભાગની તમામ શાખાઓની પ્રત્યક્ષ મુલાકાત કરીને અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની તલસ્પર્શી સમજ મેળવીને તેમાં વધુ ઝડપ અને સરળતા આવે તેવા હકારાત્મક સૂચનો-માર્ગદર્શન કરીને અધિકારીઓ-કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ બેઠકમાં વિભાગના સંયુક્ત સચિવ શ્રી પરમાર, નાયબ સચિવશ્રીઓ, સેક્શન અધિકારીશ્રીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM