આદિજાતિ વિસ્તારમા ચાલી રહેલા વિકાસ કામોની ગુણવત્તા અને સમય મર્યાદા જાળવવાની સુચના આપતા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ
વિકાસ કામોની સ્થળ પસંદગી તથા લાભાર્થીઓની પસંદગીમાં ચોકસાઇ જાળવવાની હિમાયત
અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપતા મંત્રીશ્રી
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા : તા : ૧૫ : રાજ્ય સરકારના વનબંધુ કાર્યક્રમ હેઠળ પીવાના પાણી સહિત સિંચાઈને ખાસ પ્રાધાન્ય આપવા સાથે, આદિજાતિ બજેટમાંથી જન સામાન્યની સુખાકારીના કામો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરતા, મંત્રી શ્રી નરેશભાઈ પટેલે કોઈપણ અમલીકરણ અધિકારીઓની આડોડાઈ કે નિરસતા ને કારણે વિકાસ કામો પ્રારંભે પડે તે સાંખી નહીં લેવાઈ તેમ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી તરીકે કાર્યભાર સાંભળ્યા બાદ પોતાની પ્રથમ સમીક્ષા બેઠકને સંબોધતા મંત્રીશ્રીએ જિલ્લામા ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની આકસ્મિક ચકાસણી હાથ ધરવા સાથે, ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમા સંદેશા વ્યવહારની સુવિધાને સુધારી તેને સંલગ્ન સેવાઓની ઝડપ અને ગુણવત્તા સુધારવાની દિશામા લક્ષ કેન્દ્રિત કરવાનુ આહ્વાન કર્યું હતુ.
વિકાસકામોની સ્થળે પસંદગી અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓની પસંદગીમા શરૂઆતથી જ ચોકસાઇ દાખવવાની સુચના આપતા મંત્રીશ્રીએ, પ્રગતિ હેઠળના વિકાસ કામોનુ ચોક્કસ સ્ટેટસ દર્શાવી, સમય મર્યાદામા તે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાની હિમાયત કરી હતી.
રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામા ચાલી રહેલી વિવિધ વિકાસ કામો, અને વ્યક્તિગત તથા સામુહિક યોજનાઓનો સુપેરે અમલ થાય તે સુનિશ્ચિત કરવાની હિમાયત, ડાંગના નવનિયુક્ત પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલે કરી હતી.
દશેરાના પાવન પર્વે દંડકરણ્ય-ડાંગની પ્રથમ મુલાકાતે પધારેલા રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠો, તથા ગ્રાહકોની બાબતોના મંત્રી શ્રી નરેશભાઇ પટેલે, જિલ્લાના જુદાજુદા વિભાગોના અમલીકરણ અધિકારીઓને પ્રજા કલ્યાણની યોજનાઓના અમલીકરણનુ સ્થાનિક પ્રજાજનો માટે ખુબ જ મહત્વ છે તેમ જણાવ્યુ હતુ. રાજ્ય સરકારના તમામ વિકાસ કામો સમય મર્યાદામા પૂર્ણ થાય, અને કામની ગુણવત્તામા કોઇ કચાશ નહી રહે તે જોવાની પણ અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.
રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે કાર્યરત વર્તમાન રાજ્ય સરકાર, જનહિતલક્ષી નિર્ણયો લઈને, પ્રજાજનોની સમસ્યા, મુશ્કેલીઓનો ઉકેલ લાવવાની દિશામા પ્રયાસ કરી રહી છે. ત્યારે પ્રજાજનોની આશા અને અપેક્ષાઓ મુજબ કામગીરી કરવાની અપીલ કરતા મંત્રીશ્રીએ, ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમા પ્રજાકિય સેવાની મળેલી તક ને ઝડપી લઈ પોતાનુ શ્રેષ્ટ યોગદાન આપવાની પણ સૌ અધિકારીઓને અપીલ કરી હતી.
બેઠકમા ઉપસ્થિત રહેલા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે પણ ઉપયોગી સૂચનો રજૂ કરી સૌના સાથ સૌના વિકાસ સાથે આગળ વધી રહેલી સરકારના કાર્યોમા સમયમર્યાદા જાળવવાની હિમાયત કરી હતી.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પ્રભારી મંત્રીશ્રીની આ બેઠકમા કલેક્ટર શ્રી ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક શ્રી નિલેશ પંડયા વિગેરેએ પણ ચર્ચામા ભાગ લીધો હતો. દરમિયાન નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગાવિતે બેઠકની કાર્યવાહી સંભાળી હતી.
પ્રયોજના વહીવટદાર શ્રી કે.જે.ભાગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.એન.ચૌધરી સહિતના જુદાજુદા ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓએ તેમના વિભાગ હસ્તકની કામગીરીથી મંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા.





