મોરબી તાલુકાના ૧૯ ગામોના રસ્તાનું
મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ખાતમુહૂર્ત કરાય…
મહેશ ડી સિંધવમોરબી
શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મોરબી તાલુકાના ૧૯ ગામોના રસ્તાઓનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર પ્રજાકીય કામો માટે હંમેશા તત્પર છે. ગુરુવારે વિવિધ ગામોમાં ખાતમૂહુર્ત પ્રસંગે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મંત્રીપદ મળ્યા બાદ રાજ્ય સરકારમાં રજૂઆતો કર્યા બાદ મોરબી માટે ૫૦ કરોડથી વધુના કામો મંજૂર થયા છે અને રાજ્ય સરકાર વિકાસ કાર્યોમાં કોઇપણ પ્રકારની કચાશ નહીં રાખે. વધુમાં મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું કે, મંત્રી બન્યા બાદ વિકાસ કાર્યોની ભેટ લઇને આપ સૌના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયાએ જણાવ્યું હતું કે, ખાતમૂહુર્ત થઇ રહેલા રસ્તાના કામોમાં કોઇપણ પ્રકારનું દુર્લક્ષ્ય સેવવામાં નહીં આવે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના મોરબી જિલ્લામાં ૨૧.૫૫ કરોડ રૂપિયાના ખર્ચે જેતપર રાપર રોડ, રંગપર જીવાપર રોડ, જીવાપર ચકમપર રોડ, એસ.એચ. થી જસમતગઢ, વાઘપર પીલુડી ગાળા રોડ, ધુળકોટ બાદનપર ફાટસર રોડ, એન.એચ. ટુ ગુંગણ નારણકા રોડ, એન.એચ. ટુ હરીપર કેરાળા રોડ, એન.એચ. ટુ સોખડા રોડ, એન.એચ. ટુ બહાદુરગઢ રોડ, ભડીયાદ જોધપર (ન) એપ્રોચ રોડ, મોરબી ધરમપુર સાદુળકા રોડ, એન.એચ. થી ટીંબડી રોડ, નવી સાદુળકા થી હરીપર (કે) રોડ, મોરબી રફાળેશ્વર રોડ, એસ.એચ. ટુ બરવાળા એપ્રોચ રોડ, સી.એચ. થી પીપળીયા રોડ, સી.એચ. થી વિરપરડા એપ્રોચ રોડ, એમ.ડી.આર. થી થોરાળા એપ્રોચ રોડ સુધીના કામોનું મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, કાર્યપાલક ઇજનેર એ.એન. ચૌધરી તેમજ અગ્રણીઓ અરવિંદભાઇ વાંસદડીયા, રાકેશભાઇ કાવર ઉપરાંત સબંધિત ગામોના સરપંચશ્રીઓ અને ગ્રામજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.





