આગામી છ માસમાં રાજ્યની તમામ નગરપાલિકાઓને દરેક ઘરોમાં ૧૦૦ ટકા નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું આહ્વવાન કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘નળ સે જલ – હર ઘર જલ’ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા રાજ્યના લોકોને પીવા માટે ૧૦૦ ટકા સરફેસ વોટર મળતું થાય તેવા ઉદ્દેશ સાથે આગામી છ માસમાં રાજ્યની તમામ નગરપાલિકાઓ દરેક ઘરોમાં ૧૦૦ ટકા નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવું આયોજન કરવાનું આહ્વાન કર્યુ છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અનુદાનમાંથી ફાળવવામાં આવેલ રૂ. ૧૦૫ કરોડના ખર્ચે કુલ ૨૩ નગરપાલિકાઓના વિવિધ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત કરાયું હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ 23 નગરપાલિકાઓના વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત પ્રસંગે કહ્યું કે, કોરોના મહામારીમાં પણ ગુજરાતે વિકાસ કામો અટકવા દીધા નથી. રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં પ્રજાલક્ષી વિકાસ કામો નાણાંના અભાવે અટકવા જોઇએ નહી, રાજ્ય સરકાર પૂરતા નાણા આપશે.
આગામી દિવાળી પહેલા રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં રસ્તાના અને સ્વચ્છતાના કામો પૂર્ણ કરવા જોઇએ. આ માટે રાજ્ય સરકારે રૂ. ૧૬૦ કરોડની રકમ પણ ફાળવી છે. દિવાળી પહેલા રસ્તા અને સફાઇ દ્વારા નગરોની શોભા વધારીએ એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ પ્રજાલક્ષી આ વિકાસ કામો માટે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે કોરોના મહામારીએ આપણને જીવન જીવવાની નવી પદ્ધતિ શીખવાડી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આપણે કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવી શક્યા છીએ. ગુજરાતમાં સઘન પ્રયાસોને પરિણામે ૮૫ ટકા લોકો કોરોનાથી સાજા થયા છે, મૃત્યુદર ઘટીને ૨.૫ ટકા થયો છે. ગુજરાતમાં કોરોના મહામારી, વાવાઝોડા, પૂર, અતિવૃષ્ટિ જેવી આપત્તિઓમાં પણ વહીવટી તંત્રએ તેની સામે લડવાની ક્ષમતા પ્રસ્થાપિત કરી છે.
તેમણે ઉમેર્યું કે, કોરોનાથી ડર્યા વિના સાવચેતી સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા ચાર મહિનામાં અંદાજે રૂ. ૧૧,૦૦૦ કરોડથી વધુના વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યા છે.
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં વિકાસ કામો માટે તાજેતરમાં રૂ. ૧૧૦૦ કરોડની રકમ સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. નાણાના અભાવે આપણે રાજ્યમાં વિકાસ કામો અટકવા દીધા નથી એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યની નગરપાલિકાના વિસ્તારમાં બિનઅધિકૃત નળ જોડાણ ધરાવતા લોકો રૂ. ૫૦૦ ભરીને તેને અધિકૃત કરાવીને આ યોજનાનો મહત્તમ લાભ મેળવે નહીં તો આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા રૂ. ૫૦૦૦નો દંડ કરીને નળ જોડાણ કાપી નાખવામાં આવશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM