રાજ્યના ૩૬ તાલુકાના ૨૦૫૨ ગામોને યોજના હેઠળ આવરી લેવાયા
દેશના તમામ રાજ્યોના સર્વક્ષેત્રમાં વિકાસ અને જન સુખાકારી વધે તે માટે અનેકવિધ યોજનાઓ કાર્યન્વિત છે. જેમા કૃષિ અને સિંચાઇ ક્ષેત્રમાં દેશ સ્વાવલંબન બને તે માટે પાણી માટે “અટલ ભૂજળ યોજના અમલમાં છે જેના કૃષિકારો લાભ લઇ શકે તે માટે સાબરકાંઠાના હિંમતનગર ખાતે એક દિવસીય પરી સંવાદ યોજાયો હતો. હિંમતનગરના નવિન સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પરીસંવાદમાં યોજાયેલા જિલ્લા કક્ષાના અધિકારીઓ તથા જળ વ્યવસ્થાપન સાથે યોજાયેલી સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધિઓને સંબોધતા સ્ટેટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટના તજજ્ઞ શ્રી ડૉ. ડી.કે.ડોબરીયાએ જણાવ્યું હતુ કે, ભારતમાં ખેત ઉત્પાદન વધારવા પિયત ખેતી કરવા, પીવા તથા ઉદ્યોગોની પાણીની જરૂરીયાતમાં ભૂગર્ભ જળનો મહત્તમ ઉપયોગ થાય છે. જેમાં ૬૫ ટકા ખેતીના પિયત માટે, ૮૫ ટકા ગ્રામ્ય વિસ્તારમાં તથા ૫૦ ટકા શહેરી ક્ષેત્રમાં ભૂગર્ભજળનો ઉપયોગ થાય છે. જેમાં છેલ્લા ૩૦ વર્ષમાં પાણીનો દિન પ્રતિદિન વપરાશ વધી રહ્યો છે, હાલમાં ૧૦૦ ફુટની ઉંડાઇથી પણ પાણી મળી રહ્યા નથી ત્યારે ભૂગર્ભજળની માત્રા વધારવા માટે ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ શરૂ કરવામાં આવી હતી જેને પરીણામે સુનિયોજીત જળ વ્યવસ્થાપન થતાં ભૂગર્ભ જળ રાશિમાં વધારો થયો છે. વધુમં તેમણે જણાવ્યું હતુ કે, દેશના સાત રાજ્યોના ૭૮ જિલ્લાઓના ૧૯૩ તાલુકાઓને અટલ જળ યોજના હેઠળ આવરી લીવાયા છે. જેમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ એમ સાત જિલ્લાના ૩૬ તાલુકાના ૨૦૫૨ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના પર કેંદ્ર/રાજ્ય અને ગ્રામ્ય સ્તરે મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરી જળરાશી વધારવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટના હાઇડ્રોલોજીસ્ટ શ્રી એમ.આઇ.ખણુસીયાએ સાબરકાંઠા જિલ્લામાં હયાત જળસ્ત્રોત અને તેમાંથી ઉપયોગ થતા પાણી વિષે વિસ્તૃત સમજ આપી હતી જેમાં આગામી સમયમાં પાણીની માંગ ઘટાડવાના પગલા અને પાણીનો પુરવઠો વધારવાના અસરકારક પગલા વિષે જાણકારી આપી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા જળ સંચય અભિયાનની પ્રશંસા કરતા જણાવ્યું હતુ કે, છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન આ કાર્યક્રમ યોજાતા નવિન ચેકડેમ, ખેત તલાવડીનું નિર્માણ તથા નદીઓ અને તળાવોને ઉંડા કરવાથી ભુગર્ભજળની માત્રામાં વધારો નોંધાયો છે.
પરીસંવાદમાં પાણી વ્યવસ્થાપનમાં મહિલાનો ફાળો અને મહિલા પાણી સમિતિ દ્વારા ગામમાં આવેલા પરીવર્તન વિષેની પણ જાણકારી આપવામાં આવી હતી. આ પરીસંવાદમાં નાયબ ખેતી નિયામકશ્રી પી.બી.ખિસ્તરીયા, કૃષિ તજજ્ઞશ્રી હાર્દિક વચ્છાની સહીત અનેક સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.



