ડીઝીટલ સેવા સેતુના માધ્‍યમથી પ્રજાના શ્રમ, સમય અને નાણાંની બચત થશે -શ્રી જીજ્ઞેશભાઇ સેવક

મહીસાગર જિલ્‍લાના ડીઝીટલ ક્રાંતિ થકી સુરાજયની સંકલ્‍પના સાકાર થઇ રહી છે – શ્રી રાજેશભાઇ પાઠક

ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને શહેર કે તાલુકા મથક સુધી જવું ન પડે અને સ્‍થાનિક સ્‍તરે જ તાત્‍કાલિક સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગર ખતેથી રાજય સરકારના ડીઝીટલ ગુજરાતના સ્‍વપ્‍નને સાકાર કરવાના ભાગરૂપે રાજયવ્‍યાપી ડીઝીટલ સેવા સેતુનો પ્રારંભ કરાવ્‍યો હતો.  રાજયવ્‍યાપી ડીઝીટલ સેવા સેતુ કાર્યક્રમના ભાગરૂપે મહીસાગર જિલ્‍લાના વિરપુર તાલુકાના હાંડિયા ગામે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન શ્રી રાજેશભાઇ પાઠક અને લુણાવાડાના ધારાસભ્‍ય
શ્રી જીજ્ઞેશભાઇ સેવકના અધ્‍યક્ષસ્‍થાને સેવા સેતુ કાયર્ક્રમ યોજાયો હતો.

        મહીસાગર જિલ્‍લાના પાંચ તાલુકાના ૬૫ ગામોમાં ડીઝીટલ સેવા સેતુનો પ્રારંભ કરાવતાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન શ્રી રાજેશભાઇ પાઠકે ડીઝીટલ ક્રાંતિ થકી સુરાજયની સંકલ્‍પના સાકાર થઇ રહી હોવાનું જણાવી ગુજરાત સરકારની પ્રજાલક્ષી સેવાઓને ઘરઆંગણે પહોંચાડવાના વન ડે ગર્વનન્‍સના લોકાભિમુખ અભિગમની પ્રશંસા કરી હતી.

        શ્રી પાઠકે પ્રધાનમંત્રી અને તત્‍કાલિન મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્‍ટિના પરિણામે ટેકનલોજીના માધ્‍યમથી ઇ-ગર્વનન્‍સનું સુચારૂં આયોજન કરી શકયા હોવાનું જણાવી હવે ટેકનોલોજી માત્ર શહેરો પૂરતી સીમિત ન રહેતા ગ્રામ્‍ય કક્ષા સુધી ડીઝીટલ સેવા સેતુના માધ્‍યમથી મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉપલબ્‍ધ થાય તેવું આયોજન કર્યુ હોવાનું કહ્યું હતું.

          લુણાવાડાના ધારાસભ્‍ય શ્રી જીજ્ઞેશભાઇ સેવકે ડીઝીટલ સેવા સેતુની સેવા ગ્રામ્‍ય સ્‍તરે ઉપલબ્‍ધ થવાથી નાગરિકોને તાલુકા સ્‍તર કે જિલ્‍લા સ્‍તર સુધી જવાનું કષ્‍ટ પણ નહીં વેઠવું પડે અને નાગરિક સુવિધાઓ વધુ ઝડપી બનશે તેમી જણાવી આ સુવિધાથી પ્રજાના શ્રમ, સમય અને નાણાંની બચત થશે અને સરવાળે તેમની સુખાકારીમાં વધારો થશે તેમ કહ્યું હતું.

          મહીસગાર જિલ્‍લાના જે પાંચ તાલુકાઓના ૬૫ ગામોમાં આ ડીઝીટલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે તેમાં ખાનપુર તાલુકાની ૧૦, કડાણા તાલુકાની ૦૮, સંતરામપુર ૧૫, બાલાસિનોર તાલુકાની ૨૦ અને વિરપુર તાલુકાની ૧૨ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.

ડિજિટલ સેવા સેતુ શરૂ થવાથી નાગરિકોને ગ્રામ પંચાયતમાં જ રેશન કાર્ડમાં નામ ઉમેરવા, રેશન કાર્ડમાંથી નામ કાઢવું,  રેશન કાર્ડમાં સરનામું સુધારવું, નવું રેશન કાર્ડ કાઢવું,  રેશન કાર્ડનું જુદું કરવું, રેશન કાર્ડના વાલી માટેની અરજી,  ડુપ્લિકેટ રેશન કાર્ડ, વિધવા સર્ટિફિકેટ,  ટેમ્પરરી રેસિડેન્સ સર્ટિફિકેટ, આવકનો દાખલો,  અનામતમાં ન હોય તેવી જાતિનો દાખલો (પંચાયત આવક વગર), સિનિયર સિટિઝન સર્ટિફિકેટ ,  ભાષા આધારિત માઈનોરિટિ સર્ટિફિકેટ,  રિલિજિયસ માઈનોરિટિ સર્ટિફિકેટ, વિચરતી સૂચિત જાતિના સર્ટિફિકેટ, મુખ્યમંત્રી કૃષિ સહાય , આવકના દાખલાનું એફિડેવિટ, વિધવા સહાય સંબંધિત એફિડેવિટ, જાતિના દાખલાનું એફિડેવિટ, રેશન કાર્ડ માટેનું એફિડેવિટ, નામ બદલવા માટેનું એફિડેવિટ અને અન્ય તૈયાર એફિડેવિટ જેવી સેવાઓ ઘરઆંગણે મળશે.

        પ્રારંભમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવે સ્‍વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.

        આ પ્રસંગે મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ખાંટ, જિલ્લા કલેક્ટર
શ્રી આર. બી. બારડ, સરપંચ શ્રીમતી જીજ્ઞાસાબેન બારોટ, અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જયારે આ સમગ્ર કાર્યક્રમ કોવિડ ગાઈડલાઈન અનુસરીને સંપન્ન થયો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *