આણંદ ખાતે સાંસદ મિતેષભાઇ પટેલ દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ



રિપોર્ટ : બીના પટેલ
વ્યકિત, રાજય કે રાષ્ટ્રના ઘડતરમાં મન અને તનનું સ્વાસ્થ્ય એમ બે બાબતો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. મનના સ્વાસ્થ્યનો આધાર વિચારો પર છે. સારા અને શુધ્ધ વિચારોના મૂળમાં વાંચન રહ્યું છે તેવી રીતે, તનના સ્વાસ્થ્યનો આધાર કસાયેલું શરીર છે અને તેના પાયામાં છે ખેલકૂદ. ખેલકૂદના માધ્યમથી યુવાપેઢીમાં રહેલી શકિતને બહાર લાવવામાં ઉપયોગી બની રહે છે. તેથી સાથે યુવાનોમાં એકતા અને ખેલદિલીની ભાવના વિકસે છે. આ માટે ખેલકૂનો પ્રોત્સાહન મળે તે માટે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડાએ આહ્વાન કરતાં આણંદના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સાંસદ ખેલ સ્પર્ધાનો ગતકાલે ઢળતી સંધ્યાએ આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલ વૃંદાવન મેદાનમાં કબડ્ડી ખેલ સ્પર્ધાનો પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી આણંદ જિલ્લાનું ગૌરવ વધારનાર દિવ્યાંગ વેદાંશીબેન પટેલ તથા પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સરપંચ શ્રી સુધાબેન પટેલ સહિત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી શ્રીમતી નીપાબેન પટેલ, આણંદ મહિલા મોરચના પ્રમુખ શ્રીમતી દિપીકાબેન પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, કરમસદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કૃતિકાબેન પટેલ અને મહિલા કાઉન્સિલરોના હસ્તે સ્પર્ધાને ખૂલ્લી મૂકી સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે અનોખું ઉદાહરણ પુરૂં પાડયું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી મહિલાઓનું સશકિતકરણ કરવાની સાથે મહિલાઓના ઉત્થાન અને ઉત્કર્ષ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે તેનો મહિલાઓને લાભ લેવાનું જણાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પણ અનેક કાર્યક્રમોમાં મહિલાઓને પ્રાધાન્ય આપી તેમને સન્માનિત કરતા હોય છે ત્યારે આજે મહિલાઓના હસ્તે સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા આનંદની લાગણી વ્યકત કરી હતી.
શ્રી પટેલે સ્પર્ધામાં ભાગ લઇ રહેલા ખેલાડીઓને ખેલ એ ખેલદિલી વધારે છે, જે ખેલે છે તે જ ખીલે છે. સફળતા માટે કોઇ શોર્ટકટ ન શોધશો. આ અલ્પજીવી રસ્તો છે. સફળતાનો એક જ મંત્ર છે રોકાયા વિના, થાકયા વગર, ઝૂકયા વગર રમવું એવી ભાવના જીવનમાં કેળવી સતત પરિશ્રમથી આગળ વધવા જણાવ્યું હતું.
સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાંથી કબડ્ડીના સ્પર્ધામાં ૧૪ ટીમોએ ભાગ લીધો છે. જેમાં ૮ ટીમો પુરૂષની અને ૬ ટીમો મહિલાઓની ભાગ લઇ રહી છે.
આ પ્રસંગે પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સરપંચ સુધાબેન પટેલને પોતાની ભાવના પ્રકટ કરવાની ઇચ્છા હતી તેમની આ ઇચ્છાને સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે માઇક પકડીને તેમને તેમની ઇચ્છા પ્રકટ કરવા માટે જણાવતાં ઉપસ્થિત સર્વેએ સાંસદની આ કાર્યપ્રણાલિને બિરદાવી હતી. અને સુધાબેન પટેલે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ દ્વારા આયોજિત ખેલ સ્પર્ધામાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા બદલ ધન્યતાની લાગણી અનુભવી ખેલાડીઓને ખેલભાવનાથી રમતનો આનંદ માણવા જણાવ્યું હતું.

