











પ્રાકૃતિક ડાંગના ઉંબરે આવેલી રેસ્ટોરાં સાથે ડાંગ/વાંસદા પ્રદેશની સંસ્કૃતિ અને પ્રાકૃતિક ધનધાન્યનુ વેચાણ કમ પ્રદર્શન પણ આકર્ષણનુ કેન્દ્ર
પ્રાકૃતિક ડાંગના પોષણમૂલ્યો ધરાવતા ધનધાન્ય, શાકભાજી, અને તેલ મસાલાના વેલ્યૂ એડેડ વ્યંજનો, ભોજનનો રસથાળ તૈયાર કરીને, સ્વાદ રસિયાઓને મજજો કરાવતી રેસ્ટોરાં એટ્લે ડાંગના ઉંબરે આવેલી ‘ડાંગી રેસ્ટોરાં’
રાજ્ય સરકારે જ્યારથી ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કર્યો છે, ત્યારથી અહીના ખેત ઉત્પાદનોનુ લોકોને ઘેલુ લાગ્યુ છે. ખાસ કરીને ‘કોરોના કાળ’ બાદ સ્વાસ્થ્યપ્રદ ખોરાક પાણીની શોધ જ્યા પૂરી થાય છે, તેવા ડાંગના પ્રવેશ દ્વાર એવા વઘઈથી માત્ર પંદરેક કિલોમીટરના અંતરે, વાંસદા-વઘઇ રોડ (SH No.15) ઉપર રજવાડી નગર વાંસદાને અડીને આવેલા મોટી ભમતી ગામે, તમને ડાંગી ભોજનની સોડમ અને સ્વાદ માણવા મળે, તેવો સાહસિક પ્રયોગ સ્થાનિક યુવાન શ્રી ધર્મેશ ભિવસેન અને તેમના ‘ડાંગી ગ્રુપ’ એ કર્યો છે.
શ્રી ધર્મેશભાઈ તથા તેમનુ ‘ડાંગી ગ્રુપ’ છેલ્લા પાંચ સાત વર્ષોથી પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સંકળાયેલા હતા. તેવામા રાજ્ય સરકારે ડાંગના ત્રણેય તાલુકાઓ સુબીર, આહવા, અને વઘઇ સહિત પાડોશી જિલ્લાની, એક સરખી ભૂપૃસ્ઠ ધરાવતા વાંસદા, ધરમપુર, અને કપરાડાને પણ પ્રાકૃતિક ખેતી કરતા વિસ્તાર તરીકે જાહેર કરીને, આ પ્રદેશને અનોખી ગરિમા પ્રદાન કરવા સાથે, સમાજને સ્વાસ્થ્યપ્રદ ધનધાન્ય પૂરા પાડવાની નવી દિશા દેખાડી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ‘કૃષિ મહોત્સવ’ના માધ્યમથી, કૃષિકારોની આવક બમણી કરવા સાથે, વેલ્યૂ એડેડ ખેત ઉત્પાદનોના હિમાયતી રહ્યા છે. તેમના દ્વારા જે તે સમયે વવાયેલા આ વિચારબીજનુ જતન, સંવર્ધન કરીને આ યુવાન તથા તેમના ગ્રુપે સાહસિક કદમ ઉઠાવીને, શરૂઆતમા ખેડૂતોના જૂથો, અને ક્લસ્ટર બનાવી વધુમા વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા. સાથે સાથે તેમના દ્વારા ઉત્પન્ન થતા અનાજ, શાકભાજી, મસાલા પાક ખરીદીને તેનુ મૂલ્યવર્ધિત ઉત્પાદન, બ્રાન્ડિંગ, આકર્ષક પેકેજિંગ કરીને, અનેકવિધ વેરાઈટિઓ પ્રજાજનોની સમક્ષ પ્રસ્તુત કરી.
વાંસદા થી ગિરિમથક સાપુતારા-નાશિક-શિરડી અને ખૂબસૂરત ડાંગના પ્રવાસે આવતા લોકોને, આમેય પ્રાકૃતિક પેદાશોનુ ઘેલુ લાગ્યુ છે. ત્યારે મોટી ભમતીના આ ગ્રુપે મોકો જોઈને ચોગ્ગો ફટકાર્યો છે.
‘ડાંગી રેસ્ટોરાં’ માત્ર ડાંગી-પ્રાકૃતિક ભોજન માત્ર જ નથી પીરસતી. પણ ડાંગ-વાંસદાના આદિવાસી કલ્ચરને પણ બખૂબી ઉજાગર કરે છે. આકર્ષક ગામઠી લીંપણવાળી ઝૂંપડીઓ, કલાત્મક ટેબલ-ખુરશી સાથે ભારતીય પદ્ધતિની બેઠક, ખાટલા, હિંચકો, ગાલ્લુ, અનાજ દળવાની ઘંટી અને અનાજ ખાંડવાની દળી, આધુનિક્તા અને પ્રાચીન સંસ્કૃતિનો સુમેળ સાધીને તૈયાર કરાયેલુ ઇંટિરિયર, ચૂલા ઉપર રંધાતુ શુદ્ધ અને સ્વાદિસ્ટ ભોજન, ગામઠી આતિથ્ય સત્કાર સાથે સાથે ગામડાગામમા કોઈના મહેમાન થયા હોવ તેવો અહેસાસ, અને તમારા મન અને પેટ ભરાઈ ત્યાં સુધી ભાવથી કરાવાતુ ભોજન, તમને સંતોષનો ઓડકાર આપવા માટે કાફી છે.
ભોજન સાથે અહી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતુ નાનકડુ મ્યુઝિયમ, અને પ્રાકૃતિક પેદાશોનુ વેચાણ-કમ-પ્રદર્શન કરતુ આઉટ લેટ, ગારમાટી-ઘાંસ-વાંસ-લીંપણ ધરાવતી હટ્સમા, ધીમા પણ કર્ણપ્રિય સંગીત સાથે ભોજન પીરસતી આ ‘ડાંગી રેસ્ટોરાં’ અને ‘આઉટ લેટ’ માટે અહી બે ડઝનથી વધુ સ્થાનિક મદદગારો રાખી, તેમને સ્વરોજગારી પૂરી પાડવામા આવી રહી છે, તેમ જણાવતા ‘ડાંગી રેસ્ટોરાં’ના યુવાન ટિમ લીડર શ્રી ધર્મેશ ભિવસેને, પ્રજાજનોની માંગને ધ્યાને લઈને આ રેસ્ટોરાંનો કોન્સેપ્ટ વિચારાયો છે, તેમ જણાવ્યુ હતુ.
અહીનુ ઈંટિરિયર શહેરી અને ગામડાના લોકોને પણ પસંદ અને માફક આવે તેવો નવતર પ્રયોગ અહી કરાયો છે. તેમ કહેતા શ્રી ધર્મેશભાઈએ, અહી ઉપયોગમા લેવાતા એક એક વાસણો સહિત નાનામા નાની ચીજવસ્તુઓને અન્યોથી અલગ ઓળખ આપવાનો પ્રયાસ કરાયો છે, તેમ જણાવ્યુ હતુ.
માત્ર કોલેજ સ્તર સુધીનુ જ શિક્ષણ મેળવી શકેલા આ સાહસિક યુવાન તથા તેમના ગ્રુપે ખેડૂત-ખેતી અને ખેત મજૂરને ગૌરવ મળે, તથા આદિવાસી સંસ્કૃતિની ઓળખ અને સોડમ અન્ય લોકો સુધી પણ બખૂબી પહોંચી શકે તેવા પ્રયાસોના ભાગરૂપે ‘ડાંગી રેસ્ટોરાં’ શરૂ કરી હોવાનુ ગર્વભેર જણાવ્યુ છે. સાથે સાથે સ્થાનિક યુવક/યુવતીઓને ઘરઆંગણે જ રોજગારી ઉપલબ્ધ કરાવવાનો પણ આ પ્રયાસ છે તેમ તેમણે વધુમા ઉમેર્યું હતુ.
આ સાથે ડાંગ અને વાંસદા વિસ્તારમા પ્રાકૃતિક ખેત ઉત્પાદનો, મસાલા, અને ઔષધિય પાકોના વિતરણ તથા વાવેતર સાથે પણ શ્રી ધર્મેશભાઈ તથા તેમનુ ગ્રુપ જોડાયુ છે. જેઓ આદિજાતિ વિકાસ વિભાગની કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ પ્રાકૃતિક કૃષિના કાર્યને આગળ વધારી રહ્યા છે. તેમ, ડાંગના પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરાએ જણાવ્યુ હતુ.
ડાંગના સીમાડે આવેલી આ રેસ્ટોરાંની મુલાકાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી સહિત, રાજ્યના આદિજાતિ કમિશનર શ્રી મુરલી ક્રિષ્ના ઉપરાંત અનેક નામી અનામી લોકો લઈ ચુક્યા છે, એમ પણ તેમણે એક મુલાકાતમા કહ્યુ હતુ.
આપ પણ આ વિસ્તારના આતિથ્ય સત્કાર સાથે પ્રાકૃતિક ધનધાન્યના ઉપયોગથી તૈયાર કરાતા વ્યંજનોનો રસાસ્વાદ માણવા, એકવાર ‘ડાંગી રેસ્ટોરાં’ ની મુલાકાત લઈને, પ્રાકૃતિક ખેત ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂત, ખેતી, અને ખેત મજૂરને પ્રોત્સાહિત કરો તે સમયની માંગ છે.