
રૂ.૫ હજાર કરોડની એનટીપીસી સ્વચ્છ ઉર્જા યોજના: ૩ લાખ કરોડ કરતા વધારે ઉર્જા વિતરણ ક્ષેત્રની યોજનાઓ અને રાષ્ટ્રીય સોલાર રૂફટોપ પોર્ટલની વિવિધ યોજનાઓ લોન્ચ કરવામાં આવી



ત્રિમંદિર વરણામામાં ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય પાવર @૨૦૪૭ કાર્યક્રમનું સમાપન



વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047’ની વડોદરામાં પુર્ણાહુતી નિમિત્તે ત્રિમંદિર,વરણામા ખાતે ઉર્જા મંત્રાલયના વિવિધ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.
વડાપ્રધાનશ્રીએ ત્રણ લાખ કરોડના ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ અને નેશનલ સોલાર રૂફટોપ પોર્ટલ લોન્ચ કરી હતી. જેનો હેતુ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (DISCOMs) અને ઉર્જા ક્ષેત્રોની કાર્યક્ષમતા અને આવક સુધારવાનો છે. ઉપરાંત તેમણે એનટીપીસીની ૫ હજાર કરોડથી વધુ કિંમતની વિવિધ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું સમર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીએ ઈવેન્ટ દરમિયાન વિવિધ લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમના ગામમાં વીજળી આવ્યા પછી જીવનમાં આવેલા ફેરફારો વિશે જાણકારી મેળવી હતી. તેમણે કુસુમ યોજનાના લાભાર્થી મંડીના હંસરાજ, સૌભાગ્ય યોજનાના લાભાર્થી ત્રિપુરાના કાલ્હા રાયન, પંડિત દીન દયાલ ગ્રામીણ જ્યોતિ યોજનાના લાભાર્થી આંધ્રપ્રદેશના કબુક ક્રાંતિકુમાર, સંકલિત વિકાસના લાભાર્થી વારાણસીના પ્રમિલા દેવી અને અમદાવાદના સોલાર રૂફટોપ યોજનાના લાભાર્થી ધીરેન પટેલ સાથે ઓનલાઈન માધ્યમથી વાતચીત કરી હતી. તેઓએ પીએમ સાથે તેમના જીવન બદલતા અનુભવો જણાવ્યા હતા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકારનો આભાર માન્યો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર, ઈન્ચાર્જ ડીડીઓ એ.વી. પટેલ અને એનટીપીસી, એમજીવીસીએલના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ રૂબરૂ જોડાયા હતા.

જ્યોતિગ્રામ યોજના, સૂર્ય ગુજરાત (સોલાર રૂફ ટોપ), કુટીર જ્યોત અને ઝુપડપતિ વિજ જોડાણ, ખેડૂતોના વીજળી બિલમાં રાહત, સરદાર કૃષિ યોજના, ખુશી યોજના, સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના, ડીઆઈએસએસ યોજના, વનબંધુ કલ્યાણ યોજના, પીએમ કુસુમ યોજના જેવી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તેમજ તેમના વિષે શોર્ટ મુવી બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
