

ભારતવર્ષની સંસ્કૃતિ એટલે ત્યાગીને ભોગવી જાણવાની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ ભોગની નહિ, પણ યોગની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ પ્રકૃતિની પૂજક રહી છે. જળ, આકાશ, અગ્નિ,વાયુ અને પૃથ્વી તત્વના ઋણ અદા કરવા માટે અહોભાવ સાથે વંદના થતી રહી છે. જે ધરતીમાં આપણે જન્મ લીધો છે, જે માટીમાંથી આપણો દેહ પોષાયો છે એ તત્વોના રક્ષણ અને સંવર્ધનની જવાબદારી પણ આપણી જ છે. આવા ભાવ બાળકોમાં રોપાય એવા હેતુ સાથે શ્રી ઝાડીયાણા પ્રાથમિક શાળામાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો.. શિક્ષકો દ્વારા બાળકોને આપના જીવનમાં પ્રકૃતિનું મહત્વ સમજાવ્યું હતું અને આપણે આ ઋણ અદા કરવા શુ કરી શકીએ એ સમજ આપી હતી. ધરતીમાતા અને વૃક્ષોનું પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી.
જળ સંચય, વૃક્ષ સંવર્ધન, પ્રાણીઓ, પક્ષીઓ સાથે સંસારના તમામ જીવોની ચિંતા આપણી પરંપરામાં થતી રહી છે. ગ્રામ્ય સંસ્કૃતિના શણગાર સમા ચાટ, ચબૂતરા અને હવાડા ગામના પાદરમાં આજે પણ શોભી રહ્યા છે ત્યારે સાથે મળી સૌએ પ્રકૃતિ વંદના કરી પ્રકૃતિના રક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પ લીધો હતો.
