ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે મા બહુચરની અખંડ આનંદ ગરબાની મહાધૂન – સ્વ. હંસાબા ચંદનસિંહજી રાજપૂતને ભક્તિમય શ્રદ્ધાંજલિ

ભાદરવા સુદ પૂનમના પાવન પર્વે 70થી વધુ ભજન મંડળી અને 1100થી વધુ બહેનોએ ગરબાની રમઝટ બોલાવી, સમગ્ર સિદ્ધપુર ભક્તિમય બન્યું

ભાદરવા સુદ પૂનમના પાવન અને પવિત્ર અવસરે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુરના વિશાળ પરિસરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો.સ્વ. હંસાબા ચંદનસિંહજી રાજપૂતની પુણ્યતિથિ નિમિત્તે તેમના પાવન સ્મરણાર્થે બહુચર માતાજીના આનંદ ગરબાની અખંડ મહાધૂનનું ભવ્ય અને ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

ભક્તિથી ગુંજી ઉઠ્યું પરિસર:

સવારથી સાંજ સુધી અવિરત ચાલેલી આ અખંડ આનંદ ગરબાની ધૂનમાં સિદ્ધપુર પંથકની 70 થી વધુ પ્રખ્યાત ભજન મંડળીઓ અને 1100 થી વધુ માતાઓ-બહેનો સહિત હજારોની સંખ્યામાં ભક્તજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઢોલ-મંજીરા અને મા બહુચરના ગુણગાન સાથે જ્યારે ગરબા શરૂ થયા ત્યારે સમગ્ર યુનિવર્સિટી પરિસર માતાજીના જયઘોષ અને દિવ્ય ભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું. સૌ ભક્તોએ મા બહુચરના ચરણોમાં શ્રદ્ધા-સુમન અર્પણ કરી સ્વ. હંસાબાના દિવ્ય આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ દિવ્ય અને પવિત્ર પ્રસંગે સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બલવંતસિંહજી રાજપૂત પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મા બહુચરના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તીની વૃદ્ધિ થાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.અંતમાં પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્વ. હંસાબાએ આપેલા સંસ્કાર, સ્નેહ અને સેવાભાવની સ્મૃતિ સદાય અમારા હૃદયમાં જીવંત રહી અમને જીવનપથ પર આગળ વધવાની પ્રેરણા આપતી રહેશે. તેમને શત્ શત્ નમન.આ પ્રસંગનું સફળ આયોજન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી પરિવાર અને રાજપૂત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *