માણસાના શ્રી રામજી મંદિર ખાતેથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કર્યું શ્રમદાન

માણસાના શ્રી રામજી મંદિર ખાતેથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કર્યું શ્રમદાન

માણસાની ઐતિહાસિક વાવની મુલાકાત લઈ સ્વચ્છતા જાળવવા અધિકારીઓને આપી સૂચના: “ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવી સૌની નૈતિક ફરજ”નો સંદેશ આપતા મંત્રી શ્રી વાઘાણી

ગાંધીનગર
‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ માણસા ખાતે સ્વચ્છતા ઝુંબેશમાં શ્રમદાન કરી સક્રિય ભાગીદારી નોંધાવી હતી.
માણસાના રાણીયાપુરા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શ્રી રામજી મંદિર ખાતે આરતીમાં સહભાગી બની, પરિસરમાં આયોજિત સ્વચ્છતા ઝુંબેશમાં કૃષિ મંત્રીશ્રીએ પોતે શ્રમદાન કરીને સમાજને “સ્વચ્છતા એ જ સેવા”નો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

રામજી મંદિર ખાતે શ્રમદાન કર્યા બાદ, મંત્રીશ્રીએ માણસા ખાતે આવેલી પ્રાચીન વાવની મુલાકાત લીધી હતી. વાવની મુલાકાત દરમિયાન તેમણે તેની સ્થાપત્ય સમૃદ્ધિ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓને વાવ અને તેની આસપાસના વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જાળવવા તેમજ આ ઐતિહાસિક વારસાનું જતન સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ આપી હતી.
આ પ્રસંગે વાતચીત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “જનભાગીદારી દ્વારા જ સ્વચ્છતા અભિયાનને સાચા અર્થમાં સફળ બનાવી શકાય છે. આપણા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.”
મંદિર પરિસરમાં યોજાયેલી આ ઝુંબેશમાં માણસાના ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી જ્યોત્સનાબેન વાઘેલા, ઉપપ્રમુખશ્રી બાબુભાઈ ઠાકોર, ચીફ ઓફિસર શ્રી રવિકાંત પટેલ, કારોબારી ચેરમેનશ્રી દિનેશભાઈ પટેલ તથા સ્થાનિક નાગરિકો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *