ગુજરાત સમગ્ર દેશમાં ટેક્ષ ભરવામાં પણ મોખરે છે – સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આણંદ જિલ્લામાં ૧૦૫ આવાસોનું ઇ-લોકાર્પણ

રિપોર્ટ : બીના પટેલ

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) યોજના અંતર્ગત રાજયના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂા. ૭,૯૦૯ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આણંદ જિલ્લાના ૧૦૫ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું
ઇ-લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને અનુલક્ષીને આણંદ નગરપાલિકા દ્વારા ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે સમગ્ર દેશમાં ગુજરાત અનેકવિધ ક્ષેત્રે આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં સમગ્ર દેશમાં ટેક્ષ ભરવામાં આજે ગુજરાત સૌથી મોખરે હોવાનું જણાવી ગુજરાતના વિકાસમાં આણંદનો પણ ફાળો મહત્વનો રહ્યો હોવાનું ઉમેર્યું હતું.
શ્રી પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવીને ગૃહપ્રવેશ કરતાં લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી ઘરવિહોણા અને કાચા મકાન ધરાવતા લોકોને ઘરનું ઘર મળે તેવો વિચાર માત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને જ આવી શકે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં કેન્દ્ર અને રાજય એમ ડબલ એન્જિનની સરકાર સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે કટિબધ્ધ હોવાનું ઉમેર્યું હતું.
સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે વધુમાં તહેવારોના સમયમાં ગરીબ પરિવારની બહેનોને રસોડું ચલાવવામાં મુશ્કેલી ન પડે તે માટે સરકારે મફત રાશનની યોજના લંબાવી છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, દેશના ૮૦ કરોડથી વધુ નાગરિકોને મુશ્કેલીના સમયમાં રાહત આપતી આ યોજના પર પર કેન્દ્ર સરકાર લગભગ રૂપિયા ચાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે.
શ્રી પટેલે દેશ, રાજય અને જિલ્લામાં થઇ રહેલા વિકાસને અવિરત આગળ વધારતા રહીશું અને સૌને સાથે રાખીને સૌનો વિકાસ કરીશું તેમ જણાવી આ અવિરત વિકાસરૂપી ગંગાને વહાવતા રહેવાના આશીર્વાદ સૌ નાગરિકો તરફથી મળતા રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કાંતિભાઇ ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોની ઝાંખી કરાવી હતી. તેમણે વધુમાં ડબલ એન્જિનની સરકારના કારણે ગુજરાતમાં વિકાસ કાર્યોની ગતિ અને સરકારની સંકલ્પશકિત બંને ઉજાગર થઇ રહી હોવાનું ઉમેર્યું હતું.
પ્રારંભમાં આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાન્વિત લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, વડોદરા ઝોન નગરપાલિકા કચેરીના પ્રાદેશિક કમિશનર શ્રીમતી પ્રશસ્તિ પારેક, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી છાયાબેન ઝાલા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી સચિનભાઇ પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી ગરવાલ, નગરપાલિકાના સદસ્યો, જિલ્લાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *