

શૈશવ રાવ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડીયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ સાહેબે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન અન્વયે પત્રકાર પરિષદને સંબોધી હતી.
શ્રી સી. આર. પાટીલ સાહેબે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને મતગણતરી તા. ૮મી ડિસેમ્બરે યોજાવાની છે. ગુજરાતમાં સૌ મતદાતા ભાઇ-બહેનોએ મતદાનમાં ઉમળકો બતાવી ગુજરાતના ઉત્કર્ષ અને વિકાસ માટે અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા બદલ તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે માટે જનતા જનાર્દનનો આભાર માન્યો હતો. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ પોતાના ગૃહ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કર્યો તે બદલ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો પણ આભાર માન્યો હતો. દેશના યશસ્વી ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે પણ સતત પોતાના ગૃહ રાજ્યમાં હાજર રહી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને જરૂરી સૂચનો આપી ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત તરફ લઇ જવા બદલ આભાર માન્યો હતો. શ્રી સી. આર. પાટીલ સાહેબે સંગઠનના હોદેદારો અને કર્મઠ કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો હતો. પ્રિન્ટ મિડયા અને ઇલેક્ટ્રોનીક મિડીયાએ મધ્યસ્થી બની ભારતીય જનતા પાર્ટીની વાત જનતા સુધી પહોંચાડવા બદલ આભાર માન્યો હતો.
શ્રી સી. આર. પાટીલ સાહેબે પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપતાં જણાવ્યાં હતું કે, ગુજરાતમાં યોજાયેલ ચૂંટણીના મતદાનમાં જે પણ મતદાન થયું છે તેમાં મતદાતાઓએ વિકાસવાદનો અપનાવ્યો છે. વર્ષ ૨૦૧૭ કરતાં વર્ષ ૨૦૨૨માં થયેલ મતદાનની ટકાવારી ઓછી હોવા છતાં પણ વધુ મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મતદાતાઓ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યાં છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે સ્ટંટ કર્યા છે તેને ભારતીય જનતા પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. આવા સ્ટંટથી દરેક પક્ષે દૂર રહેવું જોઇએ. શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો સજાગ હોવાથી આટલા મતદાન સુધી પહોંચી શકાયું છે.
શ્રી સી. આર. પાટીલ સાહેબની આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા, સહ કન્વિનર શ્રી ઝુબીનભાઇ આશરા ઉપસ્થિત રહ્યાં હતાં.
