નેહરુ-ગાંધી પરિવારના એકચક્રી શાસનને લીધે ૧૯૪૭થી લઈ આજ સુધીમાં કોંગ્રેસના ૭૦ વખત ભાગલા પડ્યા છે. – પ્રશાંત વાળા
ભાજપ તરફથી અમે કોઈ ધારાસભ્યોને તોડવા કે ફોડવા ક્યારેય જતાં નથી પરંતુ કોંગ્રેસના નેતાઓના વિખવાદો આંતરિક સોદાબાજી અને પરિવારવાદથી કંટાળીને તેઓ કોંગ્રેસ છોડે છે. – પ્રશાંત વાળા
ભાજપા મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનર શ્રી પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જૂથવાદ અને આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાના કાર્યકાળમાં ૦૮ નહીં પરંતુ ૨૦ જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકેની પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે વારંવાર ભાજપા પર પાયાવિહોણા-તદ્દન જૂઠા આક્ષેપો કરી રહ્યા છે. કોંગ્રેસનું તૂટવું કે ડૂબવુ એ કોઈ નવી ઘટના નથી. નહેરુ-ગાંધી પરિવારના એકચક્રી શાસનને લીધે ૧૯૪૭થી લઈ અત્યાર સુધીમાં કોંગ્રેસના ૭૦ વખત ભાગલા પડ્યા છે. વિધાનસભા પેટાચૂંટણીઓના પરિણામો પછી પણ ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાઓનો દૌર ચાલુ રહેવાનો છે.
શ્રી વાળાએ જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી વખતે આપણને સૌને ખબર છે કે, કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજીવ શુકલાનું નામ જાહેર થયેલુ હતું પરંતુ સામૂહિક રાજીનામાના ભયને લીધે છેલ્લી ઘડીએ ભરતસિંહભાઈનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જો ભરતસિંહભાઈને ટીકીટ ના આપી હોત તો અમિતભાઈ ચાવડા પણ આજે કદાચ કોંગ્રેસમાં ના હોત.
શ્રી વાળાએ જણાવ્યું હતું કે, ગઈકાલ સુધી જે કોંગ્રેસમાં હતા તેવા સારા અને સનિષ્ઠ લોકો પર બેબુનિયાદ – પાયાવિહોણા આક્ષેપો કરી તેમને વગોવવાને બદલે કોંગ્રેસે પોતે આત્મમંથન કરવાની જરૂર છે. ગુજરાતની આઠે-આઠ વિધાનસભા બેઠકો પર જનતાનો ભાજપાને જે રીતનો પ્રેમ અને પ્રતિસાદ મળી રહ્યો છે તે જોઈ કોંગ્રેસ ડઘાઈ ગઈ છે. વિધાનસભા પેટાચૂંટણીઓમાં કારમા પરાજય બાદ અમિતભાઈનું પ્રમુખપદ પણ ડગુમગુ છે એટલે હાઈકમાન્ડને ખૂશ રાખવા માટે તેણે વારંવાર આવા નિવેદનો કરવા પડે છે.

