આવનારી પેઢીઓના સારા અને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરવો પડશે :- શ્રી હાર્દિક પટેલ

સમગ્ર દેશમાં વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ઊજવવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે જિલ્લાના કૃષિ અને બાગાયત વિભાગ તથા ‘આત્મા’ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મિલેટ્સની ખેતી અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં હતો. આ પરિસંવાદ કાર્યક્રમમાં વિરમગામના ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં શ્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ઉજવવા આહવાન કર્યું છે. ‘મિલેટ’ વિશે, તેની ખેતી વિશે અને તેના લાભો વિશે ખેડૂતો વધુને વધુ જાગૃત થાય તે માટે આવા પરિસંવાદ કાર્યક્રમો ખૂબ જ મહત્ત્વના છે.

રાસાયણિક ખાતરોનાં ગંભીર પરિણામો અને પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકતા ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે રાસાયણિક ખાતરોના વધુ પડતાં ઉપયોગને લીધે સમાજમાં કેન્સર અને શ્વાસ સંબંધિત રોગો અનેકગણા વધ્યા છે. આપણી આવનારી પેઢીને સારું અને સ્વાસ્થ્યપ્રદ જીવન આપવા માટે આપણે આજે જ પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ધીમે ધીમે બંધ કરવો પડશે. રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં આજે ગુજરાતમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યાં છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

તૃણ ધાન્ય કે બરછટ પાકો અંગે વાત કરતા શ્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, તૃણ ધાન્ય કે બરછટ પાકોનું આરોગ્ય સંબંધિત મહત્ત્વ અનેકગણું છે. આજના ફાસ્ટ યુગમાં જંક ફૂડ અને આધુનિક જીવનશૈલીના કારણે ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ અનેકગણા વધ્યા છે. તૃણ ધાન્ય કે બરછટ પાકો ફાઈબર, સ્ટાર્ચ, પ્રોટીન અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. આવા ધાન્યો કોલેસ્ટેરોલ ઘટાડે છે, કબજિયાતથી બચાવે છે તથા એન્ટીઓકસિડન્ટ તરીકે પણ કાર્ય કરે છે, આથી આપણે આ ધાન્યોનો ખોરાકમાં વધુને વધુ સમાવેશ કરવો જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ ઉપરાંત, તેમણે ઉપસ્થિત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેવિધ યોજનાઓ વિશે માહિતગાર બનવા અને તેનો વધુને વધુ લાભ ઉઠાવવા અપીલ કરી હતી.

આ પરિસંવાદમાં એ.એ.યુનિ.ના મિલેટ સંશોધન કેન્દ્ર ના વડા ડૉ. આર.જી. મછાર, નાયબ ખેતી નિયામક સમિતિ આત્મા, ગાંધીનગરના શ્રી ખેતસરિયાસાહેબે બરછટ ધાન્ય પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને પોષ્ટિકતા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે કૃષિ, બાગાયત સહિત પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો અને સંસ્થાઓએ વિવિધ માહિતીસભર સ્ટોલ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને વિવિધ વિષયો અંગે માહિતી પૂરી પાડી હતી.  બરછટ ધાન્ય પાક (મિલેટ) જેવા કે નાગલી(રાગી), વરી, કોદરા, કાંગ, જુવાર,રાગી, બાજરી, સામો, બંટી, ચીણો વગેરેની ખેતી પદ્ધતિ અને આરોગ્યની દૃષ્ટિએ મહત્ત્વ, પ્રાકૃતિક કૃષિ – પ્રકૃતિના શરણે જેવા વિવિધ વિષયો પર ખેડૂતોને તલસ્પર્શી જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. ‘મિલેટ્સ(તૃણ ધાન્ય પાકો) વજનમાં હલકા છે, સ્વાસ્થ્યમાં હલકાં નથી’ – એ વાત લોકોને આ પરિસંવાદ અંતર્ગત સમજાવવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે જિલ્લા/તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ અંતર્ગત  ફળફળાદી, સજીવ ખેતી અને પિયત ખેતીમાં સિદ્ધિઓ મેળવનાર ખેડૂતોને નાણાં સહાય એનાયત કરવામાં આવી હતા. આ ઉપરાંત, સદગત સન્માન યોજનાના 3 લાભાર્થીઓને પણ ₹ 2 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ‘શ્રી અન્ન, શ્રેષ્ઠ ખોરાક’ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પરિસંવાદ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, સંયુક્ત ખેતી નિયામક શ્રી નીતિનભાઈ શુકલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એચ. આઈ. પટેલ, જિલ્લા પંચાયત  અને તાલુકા પંચાયતના સભ્યો, કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, ATMAના અધિકારીઓ-કર્મચારીઓ, વિરમગામ તાલુકા વિકાસ અધિકારી શ્રી ધવલ દેસાઈ સહિત વિરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકાના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *