
તારીખ ૧૦ માર્ચ ૨૦૨૩ નાં રોજ ભાવનગર સ્થિત ઉત્થાન પ્રેરીત ‘સમર્થન મહિલા સંગઠન’ની ૨૦ મી વાર્ષિક સાધારણ સભા અકવાડા ખાતે યોજાઈ. સભામાં સમર્થન મહિલાસંગઠનની વિવિધ ગામોની કુલ ૧૪૨ મહિલાઓએ ભાગ લીધો હતો.
સાધારણ સભામાં સૌ પ્રથમ મહિલા દિવસના મહત્વ અંગે કાજલબેને રજૂઆત કરી. ત્યાર બાદ સાધારણ સભાની શરૂઆત કરવામાં આવી.
સૌ પ્રથમ સમર્થન મહિલા સંગઠન દ્વારા ગત વર્ષ દરમિયાન થયેલી કામગીરીની રજુઆત કરવામાં આવી. અગાઉની કારોબારીની સમય મર્યાદા પૂર્ણ થતી હોવાથી આગામી ત્રણ વર્ષ માટે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવી અને પ્રમુખ તરીકે કમળાબેન વાલજીભાઈ સુમરાની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ નવી કારોબારી દ્વારા આગામી સમયમાં કરવા યોગ્ય કામગીરીની રજૂઆત કરવામાં આવી અને આ કામગીરી અંગે ઉપસ્થિત સંગઠનની બહેનોની સહમતી લેવામાં આવી.
સાધારણ સભામાં મહિલા અને હિંસા અટકાવવા કાર્યરત સરકારી માળખા જેવા કે, સખી વન સ્ટોપ, પોલીસ સપોર્ટ સેન્ટર, ઘોઘા પોલીસ મથક,જિલ્લા બાળ સુરક્ષા વિભાગ વગેરે વિભાગના કર્મચારીઓએ હાજર રહી તેમના વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીની રજૂઆત કરી હતી.
કાર્યક્રમના અંતમાં તુલસીપત્ર ફાઉન્ડેશનની ટિમ દ્વારા નાટિકા રજૂ કરવામાં આવી. નાટકમાં આપણાં પિતૃસત્તાક સમાજમાં એક મહિલાએ પોતાની એક ઓળખ ઊભી કરવામાં કરેલા સંઘર્ષની વાત રજૂ કરવામાં આવી હતી. નાટકની વાર્તામાં પોતાના જીવનનો પડઘો પાડતી હોય એવું ઉપસ્થિત સંગઠનની મહિલાઓને લાગ્યું હોવાથી સૌને નાટિકા ખૂબ જ પસંદ આવી. ત્યાર બાદ સંગઠનની બહેનોએ ગરબા રમી અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.