
શહીદ ચોકથી ભીમ ચોક સુધી નીકળી પદયાત્રા, ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે કર્યું સંવિધાનના આમુખનું સામૂહિક વાંચન

77મા ભારતીય સંવિધાન દિવસના પાવન અવસરે સિદ્ધપુરમાં ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત શહેરના જાગૃત નાગરિકો સાથે મળીને સહભાગી થયા હતા.શહીદ વીર ચિરાગ ચૌહાણ ચોક ખાતેથી પદયાત્રા સ્વરૂપે રેલીનું પ્રસ્થાન થયું હતું. આ રેલીમાં ધારાસભ્યશ્રી સહિત મોટી સંખ્યામાં નાગરિકો, કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. સૌએ સાથે કદમ મિલાવીને ભીમ ચોક સુધી પદયાત્રા કરી હતી.ત્યારબાદ ભીમ ચોક સ્થિત ભારતીય સંવિધાનના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અને માલ્યાર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકો સાથે મળીને ભારતીય સંવિધાનના આમુખનું સામૂહિક વાંચન કરવામાં આવ્યું હતું. સંવિધાન રચનારી સમિતિના સન્માનનીય અધ્યક્ષ તથા તમામ સભાસદોના અમૂલ્ય યોગદાનને યાદ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, “આવો, આપણે સૌ સાથે મળીને સંવિધાનના મૂલ્યો – સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુતાના સંદેશને જન-જન સુધી પહોંચાડીએ અને લોકશાહીના ગૌરવ માટે હંમેશા એકજૂથ રહીએ.”આ ગૌરવપૂર્ણ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખશ્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી, અનુસૂચિત મોરચાના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકા સદસ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.