અબડાસા વિધાનસભામાં આવતા ત્રણ તાલુકા મથકોએ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું . યુવાનો દ્વારા પ્રજાને કોંગ્રેસના ભ્રામક પ્રચારથી દૂર રહી અને ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવા માટે વિનંતી કરવામાં આવી હતી . આજની આ વિશાળ બાઈક રેલીઓમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ અબડાસા વિધાનસભા મત વિસ્તારના નાગરીકો જોડાયા હતા . ઉપરોકત રેલીઓ પૈકી નખત્રાણા તાલુકાની રેલીને આશાપુરા મંદિર નખત્રાણા ખાતેથી વિધાનસભા પેટા ચુંટણી પ્રદેશ ઈન્ચાર્જ શ્રી શંકરભાઈ ચૌધરી , ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા , પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ઋત્વિજભાઈ પટેલ , કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ , ધારાસભ્ય ડો . નિમાબેન આચાર્યએ સ્ટાર્ટ આપ્યું હતું જે રેલી નખત્રાણાની મેઈન બજારોમાં થઈને વિરાણી પહોંચી હતી ત્યાંથી પરત નખત્રાણા ખાતે ચુંટણી કાર્યાલય ખાતે સમાપ્ત થઈ હતી . તેવી જ રીતે લખપત તાલુકાની રેલીને પાન્દ્રો ખાતેથી ઝોન મહામંત્રી શ્રી કે . સી . પટેલે સ્ટાર્ટ આપ્યો હતો , જયાંથી આ રેલી દયાપર ઉમીયા મંદિર પાસેથી થઈ દયાપર ગામમાં ફરી અને પૂર્ણ થઈ હતી જયારે અબડાસા તાલુકાની રેલીને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ મોથાળા ખાતેથી સ્ટાર્ટ આપ્યો હતો , જે મોથાળાથી કોઠારા ગામથી નલીયા પહોંચી હતી અને નલીયા ગામમાં ફરીને નલીયા કાર્યાલય પાસે પૂર્ણ થયેલ હતી . ઉપરોકત ત્રણે રેલીઓને ઉપરોકત તમામ સ્થળો પર અબડાસાના નાગરીકો દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો અને રેલીમાં સાથે જોડાયેલા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું . ઉપરોકત રેલીઓમાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ અનિરૂધ્ધભાઈ દવે , વલ્લમજીભાઈ હુંબલ , શૈલેન્દ્રસિંહ જાડેજા , પ્રદેશ યુવા મોરચાના દર્શકભાઈ ઠાકર , કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રાહુલભાઈ ગોર , જિલ્લા યુવા મોરચા મહામંત્રી પ્રફુલસિંહ જાડેજા , રણછોડભાઈ આહિર સહિત જિલ્લા પંચાયત ઈન્ચાર્જશ્રીઓ , તાલુકા પંચાયત ઈન્ચાર્જશ્રીઓ , સ્થાનિક મંડળના હોદેદારો , યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ ઘનશ્યામ રસિકલાલ ઠકકરની યાદીમાં જણાવાયું હતું .




