







વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સહિત સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાએ અર્પણ કરી પુષ્પાંજલિ
ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે પૂજય કસ્તુરબા ગાંધી તથા શ્રી સરદારસિંહ રાણાના જન્મદિવસ નિમિત્તે તેમના તૈલચિત્રોને વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સહીત સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વિધાનસભા અધ્યક્ષશ્રી શંકર ચૌધરીએ બંને મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કરતા કહ્યું આઝાદીની ચળવળમાં પૂજ્ય કસ્તુરબા અને સરદારસિંહ રાણાનો સિંહફાળો રહ્યો હતો. કસ્તુરબા સાક્ષાત જગદંબા હતા. તેઓ સંપૂર્ણપણે દેશ પ્રેમની ભાવના ધરાવતા અને વિલાયતી દવાઓ કરતા નેચરોપેથીમાં વિશ્વાસ કરતા હતા. કસ્તુરબા ગાંધીજી સાથે આઝાદીની ચાવળમાં જોડાયા અને સાત્વિક જીવન પણ જીવ્યા. તેમનામાં ગાંધીજી જેટલી જ દેશભક્તિ રહેલી હતી. અધ્યક્ષશ્રીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના સુપુત્ર એવા સરદારસિંહ રાણાએ વિદેશમાં જઈ ક્રાંતિવીરોને દેશની આઝાદી માટે તૈયાર કર્યા હતા અને તેમનું સંપૂર્ણ જીવન દેશ માટે અર્પણ કર્યું હતું જેની નોંધ દરેક નાગરિકે અચૂકથી લેવી જોઈએ.
કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે સરદારસિંહ રાણાના આઝાદીકાળના પ્રસંગોને યાદ કરતાં જણાવ્યું હતું કે, ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સૈનિક સરદારસિંહ રાણા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના પરિચયમાં આવતાં આઝાદીના રંગે રંગાયા હતા. તેઓએ વર્ષ-૧૯૦૭માં જર્મનીમાં ભરાયેલ આંત૨રાષ્ટ્રિય સમાજવાદી પરિષદમાં હાજર રહીને મેડમ કામા સાથે સૂર્ય-ચંદ્રના નિશાનવાળો હિન્દનો પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.
પૂજય કસ્તુરબા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરતાં મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાએ કહ્યું કે, કસ્તુરબા ગાંધી પ્રેમ અને સમર્પણથી સભર એવું ભારતવર્ષનું એક આદરપાત્ર વ્યક્તિત્વ છે. કસ્તુરબાએ ગાંધીજી સાથે સંપૂર્ણ ધૈર્યથી આદર્શ સહધર્મચારીણીની માફક જીવનભર તેમનો સાથ નિભાવ્યો હતો અને અન્યાયી કાયદા સામે લડત આપી જેલવાસ પણ ભોગવ્યો હતો.
આ પ્રસંગે વિધાનસભા શાસકપક્ષના મુખ્ય દંડક વિજય પટેલ, વિધાનસભાના સચિવશ્રી ડી.એમ. પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને રાજ્યની ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ બની રહેનાર બંને મહાનુભાવોના તૈલચિત્રોને પુષ્પાંજલિ આપી હતી.