પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ૩૧ ગામોને પીવાના પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પાઇપ લાઇન નાખવાના અને નવા સમ્પ બનાવવાના વિકાસકામોનું ઇજનેરોની સાથે નિરીક્ષણ કર્યું હતું.મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઉપલેટા તાલુકાના મેરવદર ગામ પાસે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ચાલતા નર્મદા ડી નેટવર્ક ઉપલેટા તાલુકા પાણી જૂથ યોજનાના નવા કામનું નિરીક્ષણ કર્યું હતું. રૂ. ૧૪.૯૦ કરોડના ખર્ચે આ કામ ચાલી રહ્યું છે. વેણુ -ર ભાગ૧ સુધારણા પાણી પુરવઠા યોજના અંતર્ગત રૂ. ૨૦ કરોડના ખર્ચે કામો શરૂ થયા છે જે અંતર્ગત ૨૨ ગામોને પાણી ની સુવિધા મળશે.વેણુ ડેમ ભાગ-૨ સુધારણા યોજના અંતર્ગત રૂ.૧૩ કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે. નેશનલ હાઈવે ડી નેટવર્ક આ યોજના અંતર્ગત બીજા નવ ગામોને પીવાના પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ થશે. આમ કુલ ૩૧ ગામો માટે આ વિકાસ કામો ચાલી રહ્યા છે.આ ઉપરાંત વેણુ ડેમ સાઈટ નજીક ૪૦ લાખ લિટર પાણીની ક્ષમતાનો એક નવો સંપ બનાવવામાં આવી રહ્યો છે. આ સુવિધા ઉપલબ્ધ થતાં પૂરતા ફોર્સથી પાણી મળશે.મંત્રીશ્રીએ ત્રણેય વિકાસકાર્યોનું નિરીક્ષણ કર્યું હતું અને ડેમ સાઈટ પર સંપના સ્થળે પાણીની ગુણવત્તા અને અન્ય સુવિધા અંગે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. ઉપલેટા તાલુકામાં પીવાના પાણીની સુવિધાના કામો વહેલાસર પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ મુલાકાત વેળાએ પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેરશ્રી એલ.જે.ફુફલ, કાર્યપાલક ઇજનેર શ્રી એચ.ડી.જોધાણી, તેમજ મામલતદાર અને અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


