
કમલમ ન્યુઝ. સમીર શાહ. વ્યારા.
તા. 18-04-2023, મંગળવાર ના રોજ રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટ, રોટરી ક્લબ ઓફ વ્યારા, જિલ્લા પંચાયત, તાપી – આરોગ્ય વિભાગ તથા રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ , નવસારી ના સંયુક્ત ઉપક્રમે રેફરલ હોસ્પિટલ – હિંદલા, તા. સોનગઢ ખાતે મફત આંખની તપાસ અને નિદાન કેમ્પનું આયોજન સવારે 10.00 થી 1.00 કલાક દરમ્યાન કરવામાં આવ્યું હતું. કેમ્પ્માં તાલુકા આરોગ્ય અધિકારી તથા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ રેફરલ હોસ્પિટલ, હીંદલા ડૉ. હેતવ સાદડીવાલા, જામખડી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર – ડૉ. જહાનવી કે. શાહ, ગુનખડી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ. પ્રિયંકા ચૌધરી, તથા RBSK ટીમના ડૉ. ફેબી ગામીત તથા ટીમ મેમ્બર્સ તથા ત્રણેય પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર -જામખડી, ગુનખડી તથા વીરથવાનો આરોગ્ય સ્ટાફ આંખના દર્દીઓને સાથે લાવીને હાજર રહ્યા હતા. રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ, નવસારીના ડૉ. નિધી પાટીલ તથા તેમની ટીમે હાજર રહેલ લાભાર્થીઓને યોગ્ય તપાસ કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ કેમ્પમાં સોનગઢ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ રેફરલ હોસ્પિટલ – હિંદલા અંતર્ગત આવતા ત્રણેય પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર -જામખડી, ગુનખડી તથા વીરથવાના ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી લાભ લીધો હતો. 115 દર્દીઓને હાજર રહેલા નિષ્ણાંત તબીબ દ્વારા આંખોની તપાસ કરાવવામાં હતી. તે પૈકી 52 દર્દીઓને નજીકના આંખોના ચશ્મા પણ આપવામાં આવ્યાં હતાં. તેમજ 33 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે નિદાન કરાયું હતુ. આ મહિનાની તા. 24-4-23 ના રોજ દર્દીઓના જરૂરી ઓપરેશન માટે તારીખો ફાળવવામાં આવી છે. ઉપરોક્ત તારીખોએ નવસારી સ્થિત રોટરી આઈ ઈન્સ્ટીટયુટના ખાસ વાહનમાં ઓપરેશનવાળા દર્દીઓને એમના એક સ્વજન સહિત નવસારી લઈ જવાની અને ઓપરેશન થયા બાદ એમને હિંદલા ખાતે પરત મૂકી આપવાની જવાબદારી રોટરી ક્લબે સ્વીકારી. દર્દી તથા એમના સ્વજનને મફત રહેવા તથા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજનો મફત આંખની તપાસ અને નિદાન કેમ્પ ખુબજ સફળ રહ્યો. કેમ્પને સફળ બનાવવા ત્રણે સંસ્થાની ટીમ – (1) રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ, નવસારી (2) રેફરલ હોસ્પિટલ – હિંદલા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર -જામખડી, ગુનખડી તથા વીરથવાના આરોગ્ય સ્ટાફ અને તથા (3) જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની RBSK ટીમે ખૂબ જ જહેમત ઉઠવી હતી. ત્રણે સંસ્થાના ઉપસ્થિત નિષ્ણાંતો તેમજ કાર્યકરો પ્રતી રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ વ્યારાના હોદેદારો આભાર વ્યક્ત કરે છે. આજના કેમ્પને સફળ બનાવવા રોટરી ક્લબ વ્યારાના સભ્યો પૈકી પ્રોજેક્ટ ચેર અજય બોરસે, ક્લબના મંત્રી રૂજુતા ગાંધી, સમીર વાણી, રાજેશ શેઠ, નિલેશ સોની, જનક શાહ તથા ગૌરાંગ દેસાઈ હાજર રહ્યા હતા. દરેક રોટેરીયન મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર !