
રિપોર્ટ ,મયુર પટેલ
સુરત જિલ્લાના ઓલપાડ ખાતે શ્રી સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હળપતિ સમાજના છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં ૫૮ નવદંપતિઓએ પ્રભૂતામાં પગલા પાડ્યા હતા. ઓલપાડના જીન કમ્પાઉન્ડ ખાતે આયોજીત સમૂહલગ્ન સમારોહમાં કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલ સહિત મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ સમૂહલગ્નમાં જોડાઈને દાંમ્પત્યજીવનની કેડી કંડારી રહેલા નવદંપતિઓને શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે, સમૂહલગ્નોના પરિણામે ગરીબ પરિવારના સંતાનોના લગ્નની આર્થિક ચિંતા દૂર થાય છે. છેવાડાના માનવીને મુખ્યધારામાં જોડવા સરકારના સફળ પ્રયાસો સમી અનેકવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

આ અવસરે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ વિસ્તારમાં અંદાજે ૭૦ હજારથી વધુ હળપતિ સમાજની વસ્તી છે. પોતાનું આખું જીવન અન્યોની સેવામાં સમર્પિત કરી દેતા એવા નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા હળપતિ સમાજના લોકો પોતાના દીકરા-દીકરીઓના લગ્ન માટે ઉછીના નાણાં લેવા મજબૂર બને છે, જેને પરત કરવામાં ખૂબ મુશ્કેલીઓ વેઠતા હોય છે, ત્યારે આવા વિપરીત સંજોગોમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે સમૂહલગ્નો આશીર્વાદ સમાન હોવાનું જણાવી સમર્થ કલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ ૪૨૫ હળપતિ દંપતિઓના લગ્નના સેવારૂપી કાર્યને મંત્રીશ્રીએ બિરદાવ્યું હતું.



મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આ સમાજમાંથી વ્યસનમુકિત માટે ૧૪૦૦ હળપતિ યુવાનોની ટીમ તૈયાર કરવામાં આવી છે. મંત્રીશ્રીએ સ્વયં ૩૫૦ બાળકોને દત્તક લઈને અભ્યાસની જવાબદારી વહન કરી રહ્યા હોવાનું જણાવી નવદંપતિઓનું લગ્નજીવન સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી સી.આર.પાટીલે સમૂહલગ્નના આયોજન થકી હળપતિ સમાજની ગરીબ દીકરીઓના લગ્નનું અનેરૂ સેવાકીય કાર્ય કરવા બદલ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સમાજના ગરીબ વર્ગોને મદદરૂપ થવા સૌને એકજૂથ થઈ સમૂહલગ્નોને પ્રોત્સાહન આપવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ વેળાએ સમૂહલગ્ન માટે દાનની સરવાણી વહાવનાર સુરત ડિસ્ટ્રિક્ટ બેંક, સાયણ સુગરમિલ, પુરૂષોત્તમ જિનીંગ મિલ, સુમુલ સંશોધન કેન્દ્ર, સાયણ નાગરિક ધિરાણ મંડળી, રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ તેમજ અન્ય વ્યકિતગત દાન આપનારા નિમેશ પટેલ, જયેશ પટેલ, મનોજ પટેલ, પ્રકાશ પટેલ, અજિત પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી ઈશ્વરભાઈ પરમાર, સંગિતાબેન પાટીલ, સંદિપ દેસાઈ, સંગઠનના મહામંત્રીશ્રી રત્નાકરજી, બ્રિજેશ પટેલ તેમજ મોટી સંખ્યામાં હળપતિ સમાજના નવયુગલો, પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.