કોરોના મહામારી અંતર્ગત રાજ્ય સરકારના હકારાત્મક નિર્ણયો અને ડિજીટલાઇઝેશનના પરિણામે દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો – મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ

હેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે લીધેલા હકારાત્મક નિર્ણયો અને મહેસૂલી સેવાઓનું ડિઝીટલાઇઝેશન કરવાને પરિણામે લોકડાઉન બાદ રાજ્યમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો થયો છે અને છેલ્લા સાત માસ દરમ્યાન પ,૧૬,૫૦૯  દસ્તાવેજોની નોંધણી થઇ છે. સ્ટેમ્પ ડયુટી પેટે રૂા.૨૭૧૦ કરોડ  અને નોંધણી પેટે રૂા.૩૮૯ કરોડ એમ કુલ મળીને રૂા.૩૦૯૯ કરોડની આવક થઈ છે. મહેસૂલ મંત્રીશ્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ (કોરોના) મહામારીના કારણે લાગુ થયેલ લોકડાઉન બાદ રાજ્યમાં તા.૨૪મી એપ્રિલ-૨૦૨૦ના રોજ પ્રથમ તબક્કામાં ગ્રામ્ય વિસ્તારની કુલ – ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ, તા.૧૧ મે-૨૦૨૦થી નગરપાલિકા વિસ્તારની ૧૧૪ મળીને કુલ-૨૧૨ સબ રજીસ્ટ્રાર કચેરીમાં અને તા.૧લી જૂન-૨૦૨૦થી રાજયની તમામ ૨૮૭ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, એપ્રિલ-૨૦૨૦ના છેલ્લા અઠવાડિયામાં દસ્તાવેજ નોંધણીની પ્રકિયા શરૂ કરાયા બાદ સ્થાનિક પ્રતિબંધો, કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોમાં લાગુ પ્રતિબંધો, મર્યાદિત વાહન વ્યવહાર છુટ અને કોરોનાના ડરના કારણે શરૂઆતના એપ્રિલ, મે અને જુન-૨૦૨૦માં નોંધણી થયેલ દસ્તાવેજોની સંખ્યામાં, સ્ટેમ્પડ્યુટી તથા નોંધણી ફીની આવક ઓછી રહેવા પામી હતી. જુલાઈ અને ઓગસ્ટ-૨૦૨૦માં અગાઉના નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ ના માસની સરખામણીમાં દસ્તાવેજની સંખ્યા, સ્ટેમ્પડ્યુટી તથા નોંધણી ફીની આવકમાં નજીવો ઘટાડો રહેવા પામ્યો હતો. જયારે સપ્ટેમ્બર તથા ઓકટોબર -૨૦૨૦માં અગાઉના સપ્ટેમ્બર અને ઓકટોબર-૨૦૧૯ની તુલનાએ દસ્તાવેજની સંખ્યામાં ૨૩ % નો અને આવકમાં ૭.૪ % નો વધારો થયો છે. જેથી હાલ મંદીનું વાતાવરણ રાજ્યમાં જોવા મળતું નથી. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગ દ્વારા નાગરિકોને ઘેર બેઠા સેવાઓ ઉપલબ્ધ કરાવવાના અભિગમને સાકાર કરવા અત્રેના તાબાની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધાતા દસ્તાવેજોની ઈન્ડેક્ષ-૨ તથા ઈન્કમ્બરન્સ સર્ટીફીકેટ (બોજા પ્રમાણપત્ર) નાગરિકો ઘેર બેઠા મેળવી શકે તેવી સુવિધા iORA પોર્ટલ ઉપર તા.૦૯/૦૯/૨૦૨૦ થી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધાના લીધે ઇન્ડેક્ષ-ર અને બોજા પ્રમાણપત્રની ૩ર,ર૪૮ નકલો છેલ્લા બે માસમાં ઘરે બેઠા નાગરિકોને પહોંચાડાઇ છે જેનાથી રૂા. ૧.૪ર કરોડની આવક રાજ્ય સરકારને થઇ છે. મંત્રીશ્રી જણાવ્યું હતું કે, રાજયની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વધુ ઘસારા માટે તાકીદે વ્યવસ્થા કરવા માટે રાજય સરકારે દસ્તાવેજ નોંધણીના બે સ્લોટ વચ્ચેના સમયમાં ઘટાડો કરીને ૧૦ મિનિટનો સમય કરતાં હવે ૨૫ દસ્તાવેજની જગ્યાએ ૩૫ દસ્તાવેજની નોંધણી પ્રતિદિન થઈ શકે છે. તા.૫મી ઓગસ્ટ-૨૦૨૦થી તમામ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાત યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે દસ્તાવેજ નોંધણી માટે સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાક સુધીનો વધારાનો સમય પણ ફાળવવામાં આવ્યો છે. જયારે વધારે ઘસારો રહેતી રાજયની ૨૭ જેટલી સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી માટેનો સમય વધારી સવારે ૧૦.૩૦ થી રાત્રિના ૯.૦૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે તેમજ રાજય સરકારે આત્મનિર્ભર યોજનાના મોર્ગેજના દસ્તાવેજ માટે સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી ની માફી આપેલ છે. મંત્રીશ્રી પટેલે ઉમેર્યું હતું કે, કોરોનાના આ કપરા કાળમાં સંક્રમણ વધે નહીં અને યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા કરવા ઓનલાઈન ઈ-પેમેન્ટ સિસ્ટમ શરૂ કરાઈ છે જે ખૂબ જ સફળ રહી છે. તા.૨૪મી એપ્રિલ-૨૦૨૦થી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા અંતર્ગત નોંધણી ફી ફરજીયાત ઓનલાઈન ઈ-પેમેન્ટથી કરવા તથા ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. જયારે સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી ઈ-પેમેન્ટ, ઈ-સ્ટેમ્પીંગ તથા ફેન્કીંગ દ્વારા કરવામાં આવે છે.કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત રાજ્ય સરકારે લીધેલા હકારાત્મક તથા જનહિત લક્ષી નિર્ણયોથી અરજદારોને સમય તથા નાણાંનો બચાવ થશે તેમજ મહેસૂલી સેવાઓના ડિઝીટલાઇઝેશન કરવાને પરિણામે મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારાની સાથે સાથે આ સુવિધાનો લાભ લોકોને સરળતાથી મળશે તેવું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

  • છેલ્લા સાત માસમાં રાજ્યમાં પ,૧૬,પ૦૯ દસ્તાવેજોની નોંધણી : સ્ટેમ્પ ડયુટી પેટે રૂા.૨૭૧૦ કરોડની અને દસ્તાવેજ નોંધણી પેટે રૂા.૩૮૯ કરોડની એમ કુલ મળીને રૂા.૩૦૯૯ કરોડની આવક
  • iORA પોર્ટલ દ્વારા દસ્તાવેજોની ઇન્ડેક્ષ-ર અને બોજા પ્રમાણપત્રની ૩ર,ર૪૮ નકલો ઘરે બેઠા પહોંચાડાઇ : રૂા.૧.૪ર કરોડની આવક
  • વધારે ઘસારો રહેતી રાજ્યની ૨૭ જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટેનો સમય વધારી સવારે ૧૦.૩૦ થી રાત્રિના ૯.૦૦ વાગ્યા સુધીનો કરાયો
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM