નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને નવજાત શિશુઓના સંગાથે જનસેવા સાથે જન્મ દિવસ ઉજવણી કરતા ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ

જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને પોતાના જીવનમાં વણી લેનારા ચોર્યાસી વિધાનસભાના કર્મઠ ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈએ પોતાના જન્મદિવસની ઉજવણી નવી સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ, નવજાત શિશુઓ અને સારવાર લઈ રહેલા બાળકોની સેવા સાથે કરીને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે હોસ્પિટલમાં દાખલ દિવ્યાંગ દર્દીઓની સુવિધા માટે તેમના દ્વારા વ્હીલ ચેર, બગલ ઘોડી અને વોકર જેવા અત્યંત ઉપયોગી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.
નવી સિવિલ હોસ્પિટલમાં જન્મેલા નવજાત શિશુઓ માટે ખાસ ‘બેબી કીટ’ અને સગર્ભા માતાઓના ઝડપી સ્વાસ્થ્ય લાભ અને પોષણ માટે ફ્રૂટ તેમજ સ્પેશિયલ ન્યુટ્રીશન કીટ તેમજ પીડિયાટ્રિક વોર્ડ સહિત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૫૦થી વધુ નાના બાળકોને ફ્રૂટ વિતરણ કરીને ધારાસભ્યશ્રીએ વહાલપૂર્વક તેમના ખબર-અંતર પૂછ્યા હતા.
આ ગરિમામય સેવાકીય પ્રવૃત્તિ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજ ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, ડો.નિમેષ વર્મા, RMO ડો. કેતન નાયક તેમજ નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલા સહિતનો તબીબી સ્ટાફ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *