
નવી શિક્ષણ નીતિ વ્યક્તિને આત્મનિર્ભર બનાવશે તેમ જણાવતા શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોરે
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
શિક્ષણ એ જ મનુષ્યની સાચી સંપત્તિ છે તેમ જણાવતા રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોરે શિક્ષણથી જ વ્યક્તિ, અને વ્યક્તિથી સમાજ તથા રાષ્ટ્રનું ઘડતર થાય છે, ત્યારે શિક્ષકોની જવાબદારી ખૂબ વધી જાય છે તેમ આહવા ખાતે જણાવ્યુ હતું.

‘શિક્ષક સન્માન સમારોહ’ માં પધારેલા રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીએ તેમના ચિંતનિય વક્તવ્યમાં રાષ્ટ્ર નિર્માણની બુનિયાદમાં શિક્ષણ અને શિક્ષકોનું ખૂબ મોટું યોગદાન છે ત્યારે, શિક્ષકનું ચિત્ર અને ચરિત્ર બંને સ્વચ્છ હોવા ખૂબ જરૂરી છે તેમ પણ કહ્યું હતું.
શિક્ષણને ઉજાળવા માટે શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ, અને વાલીઓએ પણ સહિયારા પ્રયાસો કરવા પડશે તેમ કહેતા શિક્ષણ મંત્રીશ્રીએ સમર્પિત શિક્ષકો સન્માનના અધિકારી છે, તેમ જણાવી શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા એ ચાણક્યના સુવાક્યને ચરિતાર્થ કરવા માટે, શિક્ષકે પરિશ્રમની પારાશીશીમાંથી પસાર થવું પડે છે તેમ જણાવ્યુ હતું.

નવી શિક્ષણ નીતિ વ્યક્તિને આત્મનિર્ભર બનાવશે તેમ જણાવતા ડો.કુબેરભાઈ ડિંડોરે શિક્ષણ આલમને ભ્રામક પ્રચારથી બદનામ કરનારા કેટલાક વાંક દેખાઓને જડબાતોડ જવાબ આપવા માટે શિક્ષકોને સતત જાગૃત રહેવાનો અનુરોધ કર્યો હતો.
શિક્ષણની ગુણવત્તા સાથે શૈક્ષણિક ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનો સાથે તાલમેલ સાધી, વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે શિક્ષક આલમ તેમનું શ્રેષ્ઠ યોગદાન આપે તે આવશ્યક છે તેમ પણ તેમણે કહ્યું હતું.
ભાવિ પેઢી સમાન બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને પિછાણી તેમને આદર્શ નાગરીક બનાવવાનું પુણ્યકાર્ય શિક્ષકોના શીરે છે, ત્યારે શિક્ષક એ સમાજ ઘડતરનો શિલ્પી પણ છે, અને સેવક પણ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ચિંતનિય વક્તવ્ય આપતા મંત્રીશ્રીએસમાજના સહયોગ સાથે શિક્ષણ ક્ષેત્રને વધુ ગુણવત્તાસભર બનાવવાની પણ અપીલ કરી હતી.

ડાંગ જિલ્લાના શિક્ષણ જગતના સન્માન માટે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી પધાર્યા છે તે સમગ્ર ડાંગ માટે ગૌરવની ઘટના છે તેમ જણાવતાં ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, ડાંગને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર કરનારા શિક્ષકો, ગુરુજનોની કર્તવ્ય ભાવનાને બિરદાવી હતી.
ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત અને બળવત્તર બનાવનારા ગુરુજનોને વધુ જોશ અને જુસ્સા સાથે શિક્ષણની ક્ષિતિજોને વિસ્તારવાની અપીલ કરી હતી.
લોકહ્રદયમાં અનોખું સ્થાન ધરાવનારા ગુરુજનોના અદકેરા માન મોભાને ચીર સ્મરણીય બનાવવાની મળેલી તકને ઝડપી લેવા પણ તેમણે ગુરુવર્યોને અનુરોધ કર્યો હતો. સમાજને પ્રેરણા આપનારા શિક્ષકોનું ચિત્ર અને ચરિત્ર જનમાનસ ઉપર ઘણું અસર કરતું હોઈ, તેને છાજે તેવા વાણી વર્તનની અપેક્ષા પણ નાયબ દંડકશ્રીએ આ વેળા વ્યક્ત કરી હતી.
વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનું કાર્ય કરવું એ કેટલું કપરું છે તેનો સ્વાનુભાવ વર્ણવતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે, શિક્ષણની કાયાપલટ કરનારા શિક્ષકો અને શિક્ષણ વિભાગની સિદ્ધિઓની સરાહના કરી હતી.
શિક્ષકો, વહીવટી તંત્રના અધિકારીઓ, અને જનપ્રતિનિધિઓની કર્તવ્યભાવનાએ ડાંગને શિક્ષણ ક્ષેત્રને અગ્રેસર કર્યું છે. ત્યારે શિક્ષણ સાથે રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરનારા શિક્ષકો, વિદ્યાર્થીઓ, ખેલાડીઓની સફળતામાં પણ સૌનો સહિયારો પરિશ્રમ રહ્યો છે, તેમ તેમણે પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું.
પ્રાસંગિક વક્તવ્યમાં શિક્ષણ જગત સાથે ઘનિષ્ઠ નાતો ધરાવનારા ભાજપા સંગઠનના જિલ્લા પ્રભારી શ્રી રાજેશભાઇ દેસાઈએ, જિલ્લાની વિકટ પરિસ્થિતિમાં પણ શિક્ષણને ઉજાળનારા સારસ્વતોને અભિનંદન પાઠવી, ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના રાજ્ય સરકારના પ્રયાસોની જાણકારી આપી હતી.
સરકારી માધ્યમિક શાળા-આહવાના સભાખંડમાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોનું પુસ્તક, શૈક્ષણિક કીટ, અને સ્મૃતિભેટ આપી સન્માન કરાયું હતું. મહાનુભાવોએ પ્રતિભાશાળી શિક્ષકો, આચાર્યો, અને વિદ્યાર્થીઓનું અભિવાદન કર્યું હતું. પ્રાર્થના, સ્વાગત ગીત, અને દીપ પ્રાગટયથી શરૂ થયેલા સમારોહનું રાષ્ટ્રગાન સાથે સમાપન થયું હતું. ઉદઘોષક તરીકે ગુરુજનો શ્રીમતી બીજુબાલા પટેલ અને વિજયભાઈ ખાંભુએ સેવા આપી હતી.
કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી નીલમબેન ચૌધરી, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, મહામંત્રીશ્રીઓ સર્વશ્રી હરિરામ સાવંત, રાજેશભાઇ ગામીત, અને દિનેશ ભોયે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી, ડાયેટના પ્રાચાર્યશ્રી ડો.બી.એમ.રાઉત, શિક્ષક સંઘના હોદ્દેદારો, સંબંધિત કચેરીના અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.
કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નરેન્દ્રભાઈ ઠાકરેએ કર્યું હતું. જ્યારે અંતે આભારવિધિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિજયભાઈ દેશમુખે આટોપી હતી.
શિક્ષક સમારોહ બાદ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની, આહવાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલની પણ મુલાકાત લીધી હતી.