અણી ચૂક્યો સો વર્ષ જીવે એ ગુજરાતી કહેવત છે. તેને અનુસરીને કોવીડ હોવાની સંભાવના સાથે, તેના જેવા લક્ષણો સાથે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા દર્દીઓને કોવીડ ગાઈડ લાઈન પ્રમાણે ઓકસીજન સહિત જરૂરી તાત્કાલિક સારવાર આપીને, તેની જીવન રક્ષા કરવા સયાજી હોસ્પિટલની કોવીડ બિલ્ડિંગ ના ભોંયતળીયે કોવીડ ટ્રાયેજ કાર્યરત કરવામાં આવ્યું છે. આજથી ( dt 10-12-2020)22બેડની આ સુવિધા ગુજરાત અને વડોદરાની સહુથી મોટી કોવીડ ટ્રાયેજ સુવિધા બની છે જેનું સંચાલન ગોલ્ડન અવર તાત્કાલિક સારવારના સિદ્ધાંત પ્રમાણે કોવીડ ના લક્ષ્ણો સાથે અને વધતી ઓછી ગંભીર સ્થિતિમાં આવતા દર્દીઓની જરૂરી ત્વરિત સારવાર માટે કરવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલોને કોવીડ સારવારની જે અદ્યતન સગવડો આપવામાં આવી છે,તેનું જ આ એક નવું સોપાન છે એવી લાગણી વ્યક્ત કરતા સયાજી હોસ્પિટલમાં કોવીડ સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે, ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ આ સુવિધા માટે ખૂબ પ્રયત્નશીલ હતા અને તેમના માર્ગદર્શન હેઠળ તે કાર્યરત કરવામાં આવી રહી છે. અકસ્માત હોય કે શારીરિક ગંભીર બીમારી,પ્રથમ એક કલાકમાં જરૂરી સારવાર મળે તો દર્દીની જીવન રક્ષામાં ખૂબ મદદ મળે છે જેને ગોલ્ડન અવર પ્રિન્સિપલ તરીકે ઓળખવામાં આવે છે એવી જાણકારી આપતાં ડો. બેલીમે જણાવ્યું કે અન્ય હોસ્પિટલમાંથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહેલા પોઝિટિવ તેમજ કોવીડ ના લક્ષણો જણાતા હોય તેવા અને પ્રમાણમાં જેમની હાલત નાજુક જણાતી હોય તેવા દર્દીઓને આ સુવિધા ખાતે ઓકસીજન સહિત જરૂરી સારવાર તાત્કાલિક આપવામાં આવશે. તેની તબિયતમાં સ્થિરતા આવે તે પછી, જો કોવીડ ટેસ્ટ ના થયો હોય તેવા દર્દીનો કોવીડ ટેસ્ટ કરાશે અને પોઝિટિવ દર્દીઓને કોવીડ વોર્ડમાં ખસેડવામાં આવશે.જો ટેસ્ટ નેગેટિવ આવે તો દર્દીને તેની તબિયતની ગંભીરતા પ્રમાણે નોન કોવીડ આઇસીયુ અથવા રોગ પ્રમાણેના વોર્ડમાં ખસેડવામાં આવશે. આવા દર્દીને તેના સ્વજનો ઈચ્છે તો સારવાર માટે અન્ય મફત સારવાર આપતાં દવાખાનાઓમાં લઈ જઈ શકશે. સારવારના દરેક તબક્કે દર્દીને સંક્રમણ થી મુક્ત રાખવા મહત્તમ કાળજી લેવામાં આવશે. આ સુવિધા ખાતે ચોવીસે કલાક નિષ્ણાત અને કન્સલ્ટન્ટ તબીબો, નિપુણ નર્સિંગ સ્ટાફ અને પેરા મેડિકલની સેવાઓ ઉપલબ્ધ રહેશે. ટેસ્ટના થયો હોય તો પણ દર્દી કોવીડ પીડિત હોવાની સંભાવના ને અનુલક્ષીને જરૂરી તકેદારીઓ રાખી સારવાર કરવામાં આવશે. નિષ્ણાત તબીબો દર્દીની હાલતનું અવલોકન કરી મિનિટોમાં તેને કેવી સારવાર આપવી તેનો નિર્ણય લેશે અને તે પ્રમાણે તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવશે જે દર્દીની જીવન રક્ષામાં ખૂબ નિર્ણાયક બનશે. અમદાવાદમાં ડેડિકેટેડ કોવીડ ટ્રાયેજ કાર્યરત છે તેના કરતાં પણ વિશાળ અહીંની સુવિધા છે. ભારત સરકારની કોવીડ ગાઈડ લાઈન ચુસ્ત રીતે અનુસરી આ સુવિધાનું સંચાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કોવીડ દર્દીઓ સારવાર માટે આવે છે. આ દવાખાનાનો લાભ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓ પણ લે છે. એટલે આ સુવિધાથી ખૂબ મોટા જન સમુદાયને લાભ મળશે કંઈ કંઈ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે: આ સેન્ટર ખાતે 22 પથારીઓ,ચોવીસે કલાક અવિરત ઓકસીજન મળી રહે તે માટેની જરૂરી સગવડો, ગોલ્ડન અવર ટ્રીટમેન્ટમાં ઉપયોગી 5 થી 7 જેટલા વેન્ટિલેટર, એટલાં જ મોનીટર, ઇન્ફ્યુજન પંપ, ડી ફેબ, ઓકસીજન કોન્સનટ્રેટર, અને દર્દિવાહિની તેમજ જરૂરી જીવનવાહક દવાઓની સુવિધા રહેશે. આ સેન્ટર માટે અલાયદો મોબાઈલ નં.9313361099 કાર્યરત કરવામાં આવશે. કોવીડ એક અણધારી રાષ્ટ્રીય આરોગ્ય કટોકટી છે. રાજ્ય સરકારે આ સંકટ કાળમાં એક કર્તવ્ય ગણીને પીડિતોની સારવાર અને જીવન રક્ષાના પ્રબંધો કર્યા છે. સયાજી જેવી સરકારી હોસ્પિટલો એ તેમની સારવાર નિષ્ઠા પુરવાર કરી છે. ત્યારે આ ટ્રાયેજ ની સુવિધા કટોકટીના સમયમાં દર્દીઓની જીવન રક્ષાની સૂસજ્જતા વધારનારું બની રહેશે.

