જસદણને નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, નવું સર્કિટ હાઉસ, વિંછીયાને નવું પુસ્તકાલયની ભેટ આપતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા

જસદણમાં રૂ.૧૦ લાખના ખર્ચે સરકારી પુસ્તકાલયનું રિનોવેશન, રૂ.૧૮ લાખના ખર્ચે સરકારી આરામ ગૃહમાં બે રૂમના નિર્માણના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી બાવળિયા

રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ શહેરમાં આશરે રૂ.૧૦ લાખના ખર્ચે સરકારી પુસ્તકાલયનું રિનોવેશન તેમજ જસદણના આરામ ગૃહમાં રૂ. ૧૮ લાખના ખર્ચે બે નવા સુવિધાયુક્ત રૂમના નિર્માણના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીશ્રીએ જસદણ પંથકમાં નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, નવું સર્કિટ હાઉસ તથા વિંછીયા તાલુકા મથકે નવું પુસ્તકાલય બનાવવાની જાહેરાત કરી હતી.

        આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, પુસ્તકાલયના રિનોવેશનથી વિદ્યાર્થીઓ તેમજ વાચકો માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે. જસદણ- વિંછીયાના નાગરિકોએ અપેક્ષા પણ નહીં રાખી હોય, એવા વિકાસ કાર્યો અને એવી વિવિધ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે.

        નવા વિકાસકાર્યોની જાહેરાત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ તેમજ લોકોને વાંચવાની સુવિધા મળે તે માટે વિંછીયા તાલુકા મથકે એક સરકારી પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત જસદણ પંથકમાં નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા આશરે રૂ. ૦૩ કરોડથી વધુના ખર્ચે નવું સુવિધાયુક્ત સર્કિટ હાઉસ બનાવવામાં આવશે.

        જસદણના નાગરિકોને ઉત્તમ સુવિધા આપવાની નેમ વ્યક્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, શહેરમાં નદી કાંઠે રિવરફ્રન્ટ, પૂર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવશે. શહેરમાં નવા બે બગીચા બનાવવાની પણ પ્રક્રિયા ગતિમાં છે.

        જસદણ વિંછીયા પંથકના વિવિધ વિસ્તારોમાં  સૌની યોજના તેમજ અન્ય યોજનાઓ થકી પીવાનું પાણીની વધુ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા ગતિમાં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

        આ તકે જસદણના મામલતદારશ્રી સંજયસિંહ અસવાર, ગોંડલના નાયબ ઇજનેરશ્રી ડી.ડી.ભારાઈ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એસ.આર.ઝાલા, રાજકોટ વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રી લલિત મોઢ, જિલ્લા મહિલા અગ્રણી સુશ્રી સોનલબેન જસાણી સહિતના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *