
મહિલાઓની ખેતી ક્ષેત્રે ભાગીદારી વધારતી અને ખેતીમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ‘નમો ડ્રોન દીદી યોજના’ સૌના આકર્ષણનું કેન્દ્ર બની

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત તાપી જિલ્લામાં જોરશોરથી સંકલ્પ યાત્રા ગામેગામ પરિભ્રમણ કરી રહી છે. ત્યારે આજે આ યાત્રા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અગાસવણ ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ સહિત વિવિધ મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં‘નમો ડ્રોન દીદી યોજના’ અંતર્ગત ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવનું નિદર્શન મંત્રીશ્રીની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી સહિત ગ્રામજનો આ નિદર્શન માણી ‘નમો ડ્રોન દીદી યોજના’ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ ઉપસ્થિત ગ્રામજનોને આ જનકલ્યાણકારી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પ્રણેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તા.૩૦મી નવેમ્બરે લાભાર્થીઓ સાથે સંવાદ કરવાની સાથે બે નવી યોજના લોન્ચ કરી હતી. જેમાં મહિલાઓની ખેતી ક્ષેત્રે ભાગીદારી વધારતી અને ખેતીમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ‘નમો ડ્રોન દીદી યોજના’ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે.આ યોજના લોન્ચ થયા બાદ તાપી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ડ્રોનનું લાઇવ નિદર્શન કરવામાં આવી રહ્યું છે. જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
ભારત સરકારશ્રી દ્વારા ખેડુતોની આવક બમણી કરવાનું ધ્યેય નક્કી કરવામાં આવેલ છે. જે માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવવું જરૂરી છે.
ખેડુતો દ્વારા સામાન્ય રીતે મજુરો પાસે પાક સંરક્ષણ રસાયણ/નેનો યુરીયા/FCO માન્ય પ્રવાહી ખાતરો/જૈવિક ખાતરનો પાકમાં છંટકાવ કરવામાં આવે છે. આ પરંપરાગત પધ્ધતિમાં વધુ સમય તથા વધુ પાણીની જરૂર પડે છે. જેની સામે છંટકાવ કરેલા રસાયણ તથા ખાતરોની અસરકારકતા પણ ઓછી જોવા મળે છે. જે માટે અધ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગથી સમય તથા પાણીનો બચાવ કરવાની સાથે છંટકાવ કરવામાં આવતા પાક સંરક્ષક રસાયણ અને ખાતરના છંટકાવની અસરકારકતા પણ વધુ મેળવી શકાય છે તથા મજુરોની અછત જેવી સમસ્યાઓ પણ નિવારી શકાય છે.
નેનો યુરીયા શું છે.
નેનો યુરીયા એટલે નેનો બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ કરાયેલ વિશ્વનું પ્રથમ પેટેન્ટ અધારીત નેંનો પ્રવાહી ખાતર છે. પરંપરાગત યુરીયાની ૪૫ કી.ગ્રા. ની બેગ બરાબર નેનો યુરીયાની એક બોટલ કામ કરે છે. નેનો યુરિયા (પ્રવાહી) એ છોડ ને નાઇટ્રોજન પ્રદાન કરવા માટે શ્રેષ્ઠ સ્ત્રોત છે. છોડની સારી વૃધ્દ્રિ અને વિકાસ માટે નાઇટ્રોજનની ભુમિકા મહત્વની છે.
પરંપરાગત યુરીયાની સામે નેનો યુરીયા વાપરવાથી ખર્ચમાં કેટલો ફરક પડે છે
પરંપરગત યુરીયા જે ૪૫ કી.ગ્રા ની બેગ ખેડુતોને મળે છે. તેની ખરેખર કિંમત ૨૨૦૦ થી ૨૩૦૦ રૂ પ્રતિ બેગ છે. પરંતુ, ભારત સરકાર દ્વાર બેગ ઉપર પ્રતિ બેગ અંદાજીત રૂ. ૨૦૦૦ જેટલી માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. જેના કારણે ખેડુતોને પ્રતિ બેગ માત્ર ૨૬૬ રૂ. માં મળે છે. પરંપરાગત યુરીયાની ૪૫ કી.ગ્રાની થેલી બરાબર નેનો યુરીયાની માત્ર એક ૫૦૦ મીલી ની બોટલ થાય છે. જેની કિંમત માત્ર રૂ. ૨૨૫ છે. આમ, નેનો યુરીયા વાપરવાની સાથે ખેડુત દેશના રૂ. ૨૦૦૦- પ્રતિ બેગ બચાવી દેશ પ્રત્યે એક ઉમદા જાગૃત નાગરીક તરીકેની ફરજ અદા કરી ગૌરવ લઈ દેશની સેવા કરી શકે છે.
નોંધનિય છે કે, ડ્રોનની કિંમત અંદાજે 5 થી 6 લાખ રૂપિયા છે, ડ્રોન 10 મિનિટ માં 1 એકર એરિયા માં છટંકાવ કરી શકે છે, નેનો યુરિયાનો ડ્રોનમાં ડોઝ 200 થી 250 મિલી/ 10મિલી છે, ડ્રોન એક સાથે 16 કિલો વજન લઈને ઉડી શકે છે. પાણી વગર ડ્રોનનું વજન 5 થી 6 કિલો છે.
તાપી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસીયા આ અંગે જણાવે છે કે, કૃષિ વિમાન યોજના હેઠળ સરકારશ્રી દ્વારા પ્રતિ એકર 500 રૂપિયા યુરિયાના છંટકાવ માટે સહાય આપવામાં આવે છે. એક ખેડૂતને વધુમાં વધુ પાંચ એકર માટે સહાય મળવા પાત્ર છે. આ ટેકનોલોજીથી ખેડૂતોને યુરિયા ખાતરનો જથ્થામાં ઘટાડો થાય છે. દાણાદાર યુરીયાની જગ્યાએ પ્રવાહી યુરિયાનો ઉપયોગ કરતા થયા છે. જેના કારણે દાણાદાર યુરિયા પાછળ તથા મજુરી ખર્ચમાં મહત્તમ ઘટાડો થાય છે. જેથી દાણાદાર ખાતરની સામે ડ્રોન દ્વારા યુરિયાના છંટકાવ કરવાથી ઓછા ખર્ચે વધુ અસરકારક રીતે સારૂ ઉત્પાદન મેળવી શકશે. તેમણે સૌ ખેડૂત મિત્રોને આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.