રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) ખાતે ગુજકોસ્ટ દ્વારા નોબેલ પ્રાઇઝ એવોર્ડ સેરેમનીનું સીધા પ્રસારણનું આયોજન કરવામાં આવશે

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) ને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) હેઠળ વિકસાવામાં આવેલ છે. રીજીઓનલ સાયન્સ સેન્ટર – રાજકોટ સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, જાગરૂકતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે. રીજીઓનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા વખતો-વખત “લોકો માટે, લોકો દ્વારા” અભિગમથી બાળકો, ગૃહિણીઓ, સિનિયર સિટીઝન સહિત તમામ વયજૂથનાં લોકો માટે વિવિધ વર્કશોપ્સ, એક્ટિવિટીઝ અને સેમિનારનું આયોજન કરવામા આવે છે.

તારીખ 10મી ડિસેમ્બર સર આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ છે. તેઓએ બનાવેલ વસીયતનામા મુજબ દર વર્ષે વિજ્ઞાન વિશ્વમાં કરાયેલ માનવજાતિ માટે કલ્યાણકારી શોધોને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવે છે. આ પારિતોષિક દર વર્ષે તારીખ ૧૦ ડીસેમ્બરના રોજ સ્ટોકહોમ, સ્વીડન ખાતે ભવ્ય સમારંભ આયોજીત કરી એનાયત કરવામાં આવે છે. આ નિમિત્તે રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ‘સુપર સન્ડે’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સેન્ટરની ટીમ દ્વારા મોડેલ મારફત ફીઝીક્સ, કેમેસ્ટ્રી અને ફિઝિયોલોજી તથા મેડિસીન ક્ષેત્રે જે શોધખોળોને નોબેલ પારિતોષિક મળેલ છે, તેના વિષે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત ભારતના ખ્યાતનામ વૈજ્ઞાનિક અને નોબેલ પ્રાઈઝ વિજેતા સર સી. વી. રામન દ્વારા કરાયેલ શોધ પરનું નાટક ‘કિરણની શોધ’ રજુ કરવામાં આવશે તથા ગુજકોસ્ટ દ્વારા પ્રસારિત થનાર નોબેલ પારિતોષિક સેરેમની ૨૦૨૩નું જીવંત પ્રસારણ બતાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) ખાતે નોબલ પ્રાઇઝ ફોર ફિઝીકસ (ભૌતિકશાસ્ત્ર) પર આધારિત ઈ.સ. 1901 થી ઈ.સ. 2020 સુધીમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ વિવિધ શોધ તથા વૈજ્ઞાનિકોને એનાયત કરવામાં આવેલ નોબલ પ્રાઇઝ વિષેની સહવિસ્તૃત માહિતી ધરાવતી ગેલેરી આવેલ છે. આ સંદર્ભમાં સેન્ટર ખાતે તારીખ ૧૦ ડીસેમ્બર ૨૦૨૩ – નોબેલ પ્રાઈઝ ડે નિમિત્તે વર્ષ 2023માં ફિઝીકસ, કેમિસ્ટ્રી તથા ફિઝીયોલોજી અને મેડિસિન ક્ષેત્રે વૈજ્ઞાનિકોને મળવાપાત્ર થયેલ નોબલ પ્રાઇઝ પુરસ્કાર વિષે સમજુતી આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પિયર એગોસ્ટીની, ફેરેન્ક ક્રાઉઝ અને એન લ’હુલિયરને પદાર્થમાં ઇલેક્ટ્રોનની ગતિશીલતાના અભ્યાસ માટે પ્રકાશના ‘એટોસેકન્ડ પલ્સ’ ઉત્પન્ન કરવાની પ્રાયોગિક પદ્ધતિઓ માટે એનાયત કરવામાં આવેલ છે. જેમાં 1 સેકન્ડના 10ની 18 ઘાત જેટલા નજીવા સમયમાં થતી ઇલેક્ટ્રોનની ગતિશીલતાના ફેરફાર પર સંશોધન કરવામાં આવેલ છે. આ અંગેની ઊંડાણપૂર્વક માહિતી દર્શાવતા વૈજ્ઞાનિક મોડેલ મુલાકાતીઓ માટે સાયન્સ સીટી – રાજકોટના સભ્યો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ ઉપરાંત વર્ષ 2023નું રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર મૌંગી જી. બાવેન્ડી, લુઇસ ઇ. બ્રુસ અને એલેક્સી યેકિમોવને ‘ક્વોન્ટમ ડોટ’ની શોધ અને સંશ્લેષણ માટે એનાયત કરવામાં આવેલ છે. કોઈપણ કણમાં આવેલ 1,000 થી 10,000 અણુઓના ક્લસ્ટરને ક્વોન્ટમ ડોટ તરીકે ઓળખવામાં આવે છે તથા આ ક્વોન્ટમ ડોટનું માપ 10 નેનોમીટરથી પણ ઓછું હોય છે. આ ક્વોન્ટમ ડોટમાં આવેલ દરેક અણુનું અંદર આવેલ ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે મળવાપાત્ર થતી લંબાઈમાં જ્યારે વધઘટ કરવામાં આવે ત્યારે આ ક્વોન્ટમ ડોટના ભૌતિક ગુણધર્મો જેવા કે રંગમાં ફેરફાર જોવા મળે છે. જો લંબાઈ વધુ હોય તો આ ક્વોન્ટમ ડોટનો રંગ લાલ તથા આજ લંબાઈને ઘટાડવામાં આવે તો ક્વોન્ટમ ડોટનો રંગ ભૂરો જોવા મળે છે. આ શોધ માટે વર્ષ 2023નું રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર આપવામાં આવશે.

આ ઉપરાંત, ફિઝીયોલોજી અને મેડિસિન ક્ષેત્રે વર્ષ 2023માં નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે કેટાલિન કારિકો અને ડ્રૂ વેઇસમેનને એનાયત કરવામાં આવશે. આ સદીની સૌથી ભયાનક મહામારી કોરોના (COVID-19) સામે લડવા માટેની સૌપ્રથમ mRNA આધારિત રસીની શોધ માટે આ બંને વૈજ્ઞાનિકોને નોબલ પ્રાઇઝ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, RNAમાં પણ DNAની જેમ જ ચાર મુખ્ય સમૂહ આવેલા હોય છે, જે એડીનાઈન – A, યુરાસીલ – U, ગ્વાનીન – G, અને સાયટોસીન – C ના નામથી ઓળખવામાં આવે છે. આજ ચાર સમૂહોમાં રાસાયણિક ફેરફારો કરીને વધુ પ્રભાવશાળી તથા આધુનિક રસી બનાવમાં આવેલ હતી.

આ ઉપરાંત, ‘સુપર સન્ડે’ હેઠળ રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે સમગ્ર એશિયાના પ્રથમ નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાનિક સર સી. વી. રામન દ્વારા કરાયેલ શોધ કે જેને ‘રામન ઇફેક્ટ’ ના નામે ઓળખાય છે, તે પરનું નાટક ‘કિરણની શોધ’ સેન્ટરના સ્ટાફ દ્વારા મુલાકાતીઓ માટે રજુ કરવામાં આવશે, જેથી આવનારી પેઢી પ્રેરિત થાય. ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (GUJCOST) ગાંધીનગર દ્વારા નોબેલ પ્રાઈઝ એવોર્ડ સેરેમની, સ્ટોકહોમ, સ્વીડનથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ પ્રસારણ તમામ લોકો વિના મૂલ્યે માણી શકશે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે તારીખ 10મી ડિસેમ્બર 2023 રવિવારના રોજ આખા દિવસ દરમ્યાન નોબલ પ્રાઇઝ ને લગની તમામ પ્રવૃત્તિઓ, ઉજવણીઓ અને માહિતી મુલાકાતીઓને વિના મૂલ્યે આપવામાં આવશે. જેના માટે મુલાકાતીઓએ ફક્ત સેન્ટરની એન્ટ્રી ટિકિટ તથા પાર્કિંગ ટિકિટ જ લેવાની રહેશે. આ સંદર્ભમાં સેન્ટરના પ્રોજેકટ ડાયરેકટરશ્રી દ્વારા મુલાકાતીઓને વધુને વધુ સંખ્યામાં મુલાકાત લેવા માટે અપીલ કરવામાં આવેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *