ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા શ્રીમતી અંજુબેન વેકરિયા
ભાજપ મહિલા મોરચા સહિત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલી રાજ્યની ૧૦ હજારથી વધુ બહેનો સ્નેહ, અતૂટ વિશ્વાસ અને લાગણી સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાખડી રૂપી રક્ષાસૂત્ર અને પોસ્ટકાર્ડ મોકલશે
– શ્રીમતી અંજુબેન વેકરિયા
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓની સુરક્ષા, સન્માન અને સશક્તિકરણને માત્ર રાજકીય નારો નથી બનાવ્યો, પરંતુ નીતિ, કાયદા, સહભાગિતા અને યોજનાઓ થકી મહિલાઓ માટે સાચા અર્થમાં પરિણામલક્ષી કાર્ય કર્યું છે
-શ્રીમતી અંજુબેન વેકરિયા
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને માત્ર સરકારની યોજનાઓની લાભાર્થી તરીકે નહીં, પરંતુ દેશના વિકાસની ભાગીદાર અને નેતૃત્વશક્તિ તરીકે જોવાના અભિગમ સાથે કાર્ય કર્યું છે
-શ્રીમતી અંજુબેન વેકરિયા
મહિલાઓને સુરક્ષિત, સ્વાવલંબી, ઉદ્યોગસાહસિક અને દેશના વિકાસમાં અને લોકતંત્રમાં ભાગીદાર બનાવવાનો સંકલ્પ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્પષ્ટપણે જોવા મળે છે
-શ્રીમતી અંજુબેન વેકરિયા
શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રઢપણે માને છે કે દેશના નીતિ નિર્માણમાં દેશની વસ્તીનો અડધો ભાગ એવી મહિલાઓની ભાગીદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે
-શ્રીમતી અંજુબેન વેકરિયા
ગુજરાતમાં વિવિધ વર્ગની સરકારી નોકરીમાં ૩૩% મહિલા અનામત તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૫૦% બેઠકો અનામત રાખીને શ્રી મોદીજીએ મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરી છે
-શ્રીમતી અંજુબેન વેકરિયા
મહિલાઓને ૨૦૨૯ લોકસભા ચુંટણી થી જ લોકસભામાં ૩૩% હિસ્સેદારીનો લાભ મળે તે માટે તાજેતરમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા સંસદમાં લેવાયેલા બિલને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો દ્વારા પસાર ન થવા દેવું દુર્ભાગ્યપૂર્ણ છે
-શ્રીમતી અંજુબેન વેકરિયા
કોંગ્રેસ મહિલાઓ ને સશકત કરવાની માત્ર વાતો જ કરે છે તે સાચા અર્થમાં મહિલાઓને દેશના ભવિષ્ય નિર્માણમાં ભાગીદાર નથી બનાવવા માંગતી
– શ્રીમતી અંજુબેન વેકરિયા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે ભાજપા મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા શ્રીમતી અંજુબેન વેકરિયાએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું કે, ભાઈ-બહેનના અતૂટ બંધનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન સમગ્ર દેશ તા.૨૮ ઓગસ્ટના રોજ ઉજવવા જઈ રહ્યો છે. દર વર્ષે ભાજપ મહિલા મોરચાની બહેનો સહિત દેશ-ગુજરાતની અનેક બહેનો સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદ સાથે દેશને મજબૂત, વિકસિત અને સુરક્ષિત બનાવવાનું કાર્ય કરનાર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ઈશ્વર સ્વસ્થ રાખે, દીર્ઘાયુ આપે અને દેશહિતના કાર્યો માટે તેમને સતત શક્તિ આપે તેવી લાગણી સાથે પોસ્ટકાર્ડ સાથે રાખડી મોકલે છે.
શ્રી અંજુબેન વેકરિયા જણાવ્યું કે, આ વર્ષે પણ ભાજપ મહિલા મોરચા સહિત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલી રાજ્યની ૧૦ હજારથી વધુ બહેનો નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેના સ્નેહ, અતૂટ વિશ્વાસ અને લાગણી સાથે તેમને રાખડી રૂપી રક્ષાસૂત્ર અને પોસ્ટકાર્ડ મોકલશે. દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓની સુરક્ષા, સન્માન અને સશક્તિકરણને માત્ર રાજકીય નારો નથી બનાવ્યો, પરંતુ નીતિ, કાયદા, સહભાગિતા અને યોજનાઓ થકી મહિલાઓ માટે પરિણામલક્ષી કાર્ય કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સુધી, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને માત્ર સરકારની યોજનાઓની લાભાર્થી તરીકે નહીં, પરંતુ દેશના વિકાસની ભાગીદાર અને નેતૃત્વશક્તિ તરીકે જોવાના અભિગમ સાથે કાર્ય કર્યું છે.
તેમણે કહ્યું કે, એક ભાઈ પોતાની બહેનના સુરક્ષિત, સન્માનપૂર્ણ અને ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરે છે, તેવી જ ભાવના સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની બહેનો અને ત્યારબાદ વડાપ્રધાન તરીકે દેશની કરોડો બહેનો માટે અનેકવિધ નક્કર નિર્ણયો કર્યા છે. ગુજરાતમાં વિવિધ વર્ગની સરકારી નોકરીમાં ૩૩% મહિલા અનામત તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૫૦% બેઠકો અનામત રાખીને તેઓએ મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરી છે. આજે અનેકવિધ મહિલાઓ સરકારના વિવિધ વિભાગોમાં અને જનપ્રતિનિધિ તરીકે સન્માનભેર જવાબદારીનું નિર્વહન કરી રહી છે. મહિલાઓને સુરક્ષિત, સ્વાવલંબી, ઉદ્યોગસાહસિક અને દેશના વિકાસમાં અને લોકતંત્રમાં ભાગીદાર બનાવવાનો સંકલ્પ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

તેઓએ ઉમેર્યું કે, ઉજ્જવલા યોજના દ્વારા કરોડો બહેનોને ધુમાડામુક્ત રસોડું મળ્યું, જ્યારે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલયના નિર્માણથી મહિલાઓના સન્માન, સ્વચ્છતા અને સુરક્ષાને નવી મજબૂતી મળી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા મહિલાઓના નામે આવાસ નોંધાવવા પર વિશેષ ફાયદાની જોગવાઈ સાથે અનેક કિસ્સામાં મહિલાઓને ઘર માલિકીનો હક મળ્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજના અને બેટી બચાવો, બેટી પઢાવો દ્વારા દીકરીના જન્મથી લઈને તેના ઉજ્જવળ ભવિષ્ય સુધીની ચિંતા કરવામાં આવી છે. સખી મંડળો અને સ્વસહાય જૂથો દ્વારા લાખો બહેનોને સંગઠિત કરીને સ્વરોજગાર અને આવકના સાધનો સાથે જોડવામાં આવી છે. આ જ પ્રયાસને આગળ વધારી લખપતિ દીદી દ્વારા બહેનોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો સંકલ્પ અને નમો ડ્રોન દીદી દ્વારા ગ્રામ્ય બહેનોને આધુનિક ટેક્નોલોજી અને નવા વ્યવસાય સાથે જોડવાનું કાર્ય થઈ રહ્યું છે.
શ્રી અંજુબેન વેકરિયાએ કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં મહિલા સશક્તિકરણ માટે માત્ર વાતો જ થઈ પણ મહિલાઓને પ્રતિનિધિત્વ આપવા માટે કોઈ કાયદાકીય જોગવાઈ કરવામાં ન આવી. શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં મુકાયેલી નીતિઓ અને યોજનાઓના ફળસ્વરૂપે આજે રાજ્ય અને દેશની મહિલાઓ સશકત, પગભર અને સક્ષમ બની છે. ગુજરાત અને દેશની મહિલાઓના આશીર્વાદ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રઢપણે માને છે કે દેશના નીતિ નિર્માણમાં દેશની વસ્તીનો અડધો ભાગ એવી મહિલાઓની ભાગીદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

તેમણે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓના ૩૩% પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવા માટે ૨૦૨૩ માં સંસદના બંને ગૃહોમાં ઐતિહાસિક નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. તેના જ અનુસંધાને મહિલાઓને ૨૦૨૯ લોકસભા ચુંટણી થી જ લોકસભામાં ૩૩% હિસ્સેદારીનો લાભ મળે તે માટે તાજેતરમાં સંસદમાં લેવાયેલા બિલનો કોંગ્રેસે સહિતના વિરોધ પક્ષોએ પસાર થવા દીધું ન હતું. કોંગ્રેસ મહિલાઓ ને સશકત કરવાની માત્ર વાતો જ કરે છે તે સાચા અર્થમાં મહિલાઓને દેશના ભવિષ્ય નિર્માણમાં ભાગીદાર નથી બનાવવા માંગતી.
આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહિલા મોરચાના પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મહિલા મોરચાના પ્રભારીશ્રીઓ શ્રીમતી જાનવીબેન વ્યાસ, શ્રીમતી પુષ્પાબેન ઠાકોર, પ્રદેશ સહ પ્રવકતા શ્રી શ્વેતાબેન બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં.