ધુંવાવ ખાતેથી “કિસાન સુર્યોદય યોજના”નો શુભારંભ કરાવતામંત્રી શ્રી આર.સી.ફળદુ

જામનગર તાલુકાના ૨૫ ગામોને યોજના હેઠળ આવરી લેવાયા, હવે સવારે ૫:૦૦ થી રાત્રીના ૯:૦૦ સુધી દિવસે પણ ખેડુતોને વીજ પુરવઠો મળતો થશે

ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત આત્મનિર્ભર બન્યું છે, હાલની સરકારે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોને વિકસાવી વિકાસની પરિભાષાને ચરિતાર્થ કરી છે. -કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુ

કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોની મુશ્કેલીઓનો અંત આવશે-ધારાસભ્ય શ્રી રાઘવજીભાઇ પટેલ

જામનગર જિલ્લાના ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામા આવેલ “કિસાન સુર્યોદય યોજના”નો કૃષિ, વાહનવ્યહાર મંત્રી શ્રી આર.સી.ફળદુએ જામનગર તાલુકામાં ધુંવાવ ખાતેથીશુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુએજણાવ્યું હતું કે, ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રે અનેક ક્રાંતિકારી બદલાવ આવ્યા છે, અગાઉની સરકારોએ ખેડૂતોને વીજળીની તકલીફોમાં માત્ર વાયદાઓ જ કર્યા હતા જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાઓની પીડાને ધ્યાને લઇ જ્યોતિગ્રામ યોજનાને અમલ કરી હતી, આજે ૨૪ કલાક ગ્રામ વિસ્તારોમાં વીજળી મળી રહે છે, આમ જ આજે ખેડૂતોની રાત્રિના સમયે વીજળી મળવાથી થતી અનેક મુશ્કેલીઓના નિવારણ માટે હાલની સરકારે કિસાન સૂર્યોદય યોજના થકી બીજી ઉર્જા ક્રાંતિ તરફ પગરણ માંડયા છે.

રાજ્ય સરકારે પ્રજાની પીડાની અનુભૂતિ કરી છે. અગાઉના સમયમાં ખેડૂતોને વીજ જોડાણ માટે પણ અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જ્યારે આજે ખેડૂત વીજ જોડાણની અરજી આપે તો ગણતરીના દિવસોમાં જ તેને વીજળી મળતી થઇ છે. ૧૯૯૫માં ગુજરાત ૭૬૦૦વોટ વીજળી ઉત્પન્ન કરતું હતું. જ્યારે આજે ગુજરાત ૨૨,૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. ઊર્જા ઉત્પાદનમાં ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. સરકારે બિનપરંપરાગત સ્ત્રોતો જેવા કે પવન ઊર્જા,  સૌર ઉર્જાનો લાભ લઇ પ્રજાની અગવડોને દૂર કરી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, ૧૯૬૦ થી લઇ ૨૦૦૦ સુધીના ૪૦ વર્ષના ગાળામા તે વખતની સરકારે માત્ર ૭.૩૩ લાખ વીજ કનેક્શનો આપ્યા હતા. જ્યારે હાલની રાજ્ય સરકાર માત્ર ૧૮ વર્ષમાં ૧૨ લાખથી વધુ વીજ કનેક્શન આપી ખેડુતોની પડખે ઉભી રહી છે. ગામડાની ખેત આધારિત જીવન વ્યવસ્થાને જે મદદની જરૂર હતી જે અગવડતાઓ હતી તેને દૂર કરીને મક્કમ નિર્ધાર સાથે ગુજરાત સરકારે મહત્વના નિર્ણયો કરીને વિજળીના ક્ષેત્રે આ યોજના થકી ભગીરથ કાર્ય કર્યું છે.કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોના જીવનમાં પણ સૂર્યોદય થશે. 

કિસાન સૂર્યોદય યોજના થકી આ બીજા તબક્કામાં રાજ્યના ૨૭૦૨ ગામને આવરી લેવામાં આવશે અને આગામી બે વર્ષમાં ગુજરાતના સમગ્ર ગામડાઓને આ યોજના હેઠળ આવરી લઈ ખેતરે-ખેતરે દિવસે વિજળી પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ છે.

આ તકે ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની જ્યોતિગ્રામ યોજના એ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રકાશ ફેલાવી ગ્રામજનો માટે સુવિધાનું નિર્માણ કર્યું, જીવન જરૂરિયાતની વીજળી, નાના ઉદ્યોગકારો, ગૃહઉદ્યોગકારો માટે પણ આ યોજના થકી વીજળીની સુવિધા આ સરકારે ઉપલબ્ધ કરાવી છે. ત્યારે હવે  ખેડૂતોને દિવસે વીજળી મળતા રાત્રે પિયત કરવા જવાની અગવડોમાંથી રાહત મળશે. રાત્રી દરમ્યાન જંગલી પશુઓના ત્રાસ, સર્પદંશ જેવી ઘટનાઓથી ખેડૂતો અગાઉ પારાવાર મુશ્કેલીઓ ભોગવતા હતા, કિસાન સૂર્યોદય યોજનાથી આ દરેક અગવડતાનો અંત આવશે. આજે વિજળીમાં માંગ કરતાં પુરવઠો વધુ હોય તેવું દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત છે.

શું છે કિસાન સુર્યોદય યોજના ? ખેડુતોને દિવસે  વીજળી પુરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભીગમ અપનાવી “કિસાન સુર્યોદય યોજના”  અમલમા મુકવામા આવી. જે યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમ્યાન સવારના ૫:૦૦ થી રાત્રીના ૯:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો આપવામા આવશે. આ યોજના થકી ખેડુતોને દિવસે વીજ પુરવઠો મળવાથી પિયત માટે દિવસે વિજળીની સુવિધા મળશે. રાતના ઉજાગરા, વન્ય પ્રાણીઓના અને સર્પદંશના ભય તેમજ તાઢ, તાપ જેવી મુશ્કેલીઓથી કાયમ મુક્તિ મળશે.  

 આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા,  જામનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી ડો. વિમલભાઈ કગથરા,  જિલ્લા ભાજપ મંત્રી શ્રી ડૉ. વિનુભાઈ ભંડેરી, ધુંવાવ ગામના સરપંચ શ્રી કાનાભાઈ, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડો.વસોયા, અગ્રણીશ્રી સૂર્યકાંતભાઈ મઢવી, ભાનુભાઈ ચૌહાણ,  પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરશ્રી સી. કે. પટેલ તથા અન્ય મહાનુભાવો, અધિકારીઓ અને ધુંવાવ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોનાખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *