
કેન્દ્રીય રાજય મંત્રીશ્રી ડો. ભાગવત કરાડ
- વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ જન આંદોલન બની છે
- શાસન અને પ્રશાસનના યથાર્થ પ્રયાસોથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી છેવાડાના લોકો સુધી સરકારની યોજનાઓના લાભો પહોંચ્યા છે
- આણંદ જિલ્લાના ૮ તાલુકાના ૩૫૧ ગામડાઓમાં ૬ રથના માધ્યમથી લોકો સુધી સરકારની યોજનાઓના લાભો પહોંચાડાયા છે
- આણંદ જિલ્લામાં રથના પરિભ્રમણ દરમિયાન ૧.૬૮ લાખથી વધુ લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના કરેલા સંકલ્પને સાર્થક બનાવવા દેશમાં આરંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લોકોએ વ્યાપક પ્રતિષાદ આપી વધાવી છે. શાસન અને પ્રશાસનના યથાર્થ પ્રયાસોથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી છેવાડાના લોકો સુધી સરકારની યોજનાઓના લાભો પહોંચ્યા છે, તેમ આણંદ જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રીશ્રી ડો. ભાગવત કરાડે આજે કલેકટર કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતુ.
ડો. ભાગવત કરાડે આ સંદર્ભે વધુ માહિતી આપતા કહયું હતુ કે, ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે કેન્દ્ર-રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ રાજ્યના છેવાડાના વિસ્તારોના નબળા વર્ગના લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહે છે. દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ સાથે આરંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ભારત સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુધી પહોચાડવાની સાથે તેમનામાં જાગૃતિ આવે તે માટે દેશના અન્ય રાજયોની સાથે ગુજરાતમાં પણ તા. ૧૫ મી નવેમ્બરથી આદિવાસી ગૌરવ દિવસના રોજ થી અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લામાં પણ તા. ૩૦ મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે. જેમાં આણંદ જિલ્લાના ૮ તાલુકાના ૩૫૧ ગામડાઓમાં ૬ રથના માધ્યમથી લોકો સુધી સરકારની યોજનાઓના લાભો પહોંચાડાયા છે, તેમ જણાવતાં કેન્દ્રીય રાજય મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, આણંદ જિલ્લામાં આ રથના પરિભ્રમણ દરમિયાન ૧.૬૮ લાખથી વધુ લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા છે. આ યાત્રાની પૂર્ણાહૂતિ આજે બોરસદ તાલુકાના કાવિઠા ગામેથી થઈ છે. જયાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ રથનું સ્વાગત કર્યું હતુ.
કેન્દ્રીય રાજય મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના છેવાડાના લોકો સુધી યાત્રાના માધ્યમથી પહોંચવાનો સંકલ્પ કરી તેને સાચા અર્થમાં સાકાર કર્યો છે. આણંદ જિલ્લામાં આરંભાયેલી આ યાત્રા દરમિયાન પીએમ સ્વનિધિ, પ્રધાનમંત્રી વિશ્વકર્મા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, આયુષ્યમાન ભારત, પીએમ આવાસ યોજના (શહેરી), પીએમ આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, રાષ્ટ્રીય અન્નદાતા યોજના, દિનદયાળ યોજના, રાષ્ટ્રિય અન્ન યોજના, ગ્રામીણ આજીવિકા મિશન સહિતની વિવિધ યોજનાઓથી લોકોને અવગત કરાવી સાચા લાભાર્થીઓને તેના લાભ આપવામાં આવ્યા છે.
આણંદ જિલ્લામાં યોજાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ૩૫૧ ગ્રામ પંચાયતોમાં કુલ ૧.૬૭ લાખથી વધુ લોકોએ પ્રતિજ્ઞા લીધી છે. આ યાત્રા દરમિયાન દરેક ગ્રામ પંચાયતમાં સોઇલ હેલ્થ કાર્ડનું નિદર્શન, સજીવ ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ, ધરતી કહે પુકાર કે નાટકનું આયોજન, આરોગ્ય તપાસ, ટીબી સ્ક્રીનીંગ, પશુ આરોગ્ય કેમ્પ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાનશ્રીનો રેકોર્ડેડ સંદેશ, વિકસિત ભારત કા સંકલ્પ વિડીયો, મેરી કહાની મેરી ઝુબાની યોજનાની સફળતા ગાથા જેવા કાર્યક્રમો દરેક ગ્રામ પંચાયતોમાં યોજવામાં આવ્યા હતા, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.
ઉલ્લેખનિય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન જિલ્લાની ૩૫૧ ગ્રામ પંચાયતોમાં વિવિધ પ્રકારના એવોર્ડ આપવામાં આવ્યા છે, જેમાં ૧,૭૯૬ પુરસ્કારો મહિલાઓને, ૧,૬૯૭ પુરસ્કાર વિદ્યાર્થિઓને, ૧,૩૩૫ પુરસ્કારો રમતવીરોને અને ૧,૧૩૭ એવોર્ડ સ્થાનિક કારીગરોને આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન યોજાયેલી આરોગ્ય તપાસ શિબિરોમાં કુલ ૯૩,૪૭૦ લોકોની તપાસ કરવામાં આવી છે તથા અંદાજિત ૮૫,૨૭૨ લોકોનું ટીબી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન સુરક્ષા વીમા યોજના હેઠળ અંદાજીત ૩,૪૬૦ લોકોએ, કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ અંદાજીત ૧,૩૪૮ લોકોએ અને જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ અંદાજીત ૨,૩૯૩ લોકોએ લાભ લીધો હતો. જયારે ૧,૨૨,૫૯૬ નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે.
આ પત્રકાર પરિષદમાં સાંસદશ્રી મિતેષ પટેલ, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણ ચૌધરી, નાયબ કલેકટરશ્રી, મામલતદારશ્રી સહિત જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના મિત્રો ઉપસ્થિત રહયાં હતા.
*****
