આત્મનિર્ભર ભારત અભિયાન ન્યાયતંત્રને આધુનિક સ્વરૂપ આપવાના પ્રયાસોમાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છેઃ પ્રધાનમંત્રીશ્રી

ગુજરાત હાઇકોર્ટની સ્થાપનાના ૬૦ વર્ષ પૂર્ણ થવા અવસર હીરકજ્યંતિના ઉપલક્ષ્યમાં ખાસ ટપાલ ટિકીટ અને ફર્સ્ટ ડે કવરનુંનવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા અનાવરણ કર્યુ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત હાઈ કોર્ટની હીરકજયંતિ મહોત્સવની ઉજવણીના ઉપક્રમે આયોજિત એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

       આ પ્રસંગે તેમણે ગુજરાત હાઈ કોર્ટની સ્થાપનાનાં 60 વર્ષ પૂર્ણ થવાની યાદગીરી સ્વરૂપે એક પોસ્ટેજ સ્ટેમ્પ (ટપાલ ટિકિટ)નું લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી, સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ન્યાયાધિશો તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને કાયદા ક્ષેત્રની જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી.

          આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીશ્રીએ છેલ્લાં 60 વર્ષના સમયગાળા દરમિયાન ભારતીય ન્યાય વ્યવસ્થા અને ભારતીય લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાની કાયદાકીય સમજણ, વિદ્વતા અને બૌદ્ધિકતા સાથે કરેલા પ્રદાન બદલ હાઈ કોર્ટ અને બારની પ્રશંસા કરી હતી.

       પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે, બંધારણના મૂલ્યોને જીવંત રાખવા માટે ન્યાયતંત્રએ એની જવાબદારી સુપેરે અદા કરી છે. ન્યાયતંત્રએ સકારાત્મક અને રચનાત્મક રીતે ભારતીય બંધારણનું અર્થઘટન કરીને એને હંમેશા મજબૂત કર્યું છે. ન્યાયતંત્રએ નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાના ક્ષેત્રોમાં એની ભૂમિકા ભજવીને કાયદાના શાસનને સ્થાપિત કરવા અને એને જાળવવાની કામગીરી પણ કરી છે.

          પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભારતીય સમાજમાં કાયદાનું શાસન આપણી સભ્યતા અને સામાજિક તાણાવાણાના આધાર રહ્યું છે. કાયદાનું શાસન સુસશાન કે સુરાજ્યનો આધાર છે. આ જ મંત્રએ આપણા સ્વતંત્રતા સંગ્રામમાં દેશવાસીઓને નૈતિક તાકાત આપી હતી. આ જ વિચારને આપણા બંધારણના ઘડવૈયાઓએ પણ બંધારણની રચના સમયે સૌથી વધુ મહત્વ આપ્યું હતું. આપણા બંધારણની પ્રસ્તાવનામાં કાયદાનું શાસન સ્થાપિત કરવાનો સંકલ્પ જ વ્યક્ત કરવામાં આવ્યો છે.

       આ મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતોને ન્યાયતંત્રએ હંમેશા ઊર્જા અને દિશા આપી છે. પ્રધાનમંત્રીશ્રીએ ન્યાના મૂળભૂત ઉદ્દેશો પાર પાડવામાં બારની ભૂમિકાની પ્રશંસા પણ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરની ન્યાય વ્યવસ્થા સ્થાપિત કરવાની જવાબદારી કાર્યકારિણી અને ન્યાયતંત્ર બંનેની છે, જે સમાજના છેવાડાના માનવીને પણ સમયસર ન્યાય મળવાની ખાતરી આપશે.

          પ્રધાનમંત્રીશ્રીએ રોગચાળાના મુશ્કેલ સમયગાળા દરમિયાન ન્યાયતંત્રની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત હાઈ કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી વહેલામાં વેહલી તકે શરૂ કરવી, એસએમએસ કોલ-આઉટ, કેસનું ઇ-ફાઇલિંગ અને ‘ઇમેલ માય કેસ સ્ટેટ્સ’ જેવી પહેલો અપનાવીને એની પરિવર્તન અને ટેકનોલોજીના સ્વીકારની ક્ષમતા પ્રદર્શિત કરી હતી. કોર્ટે યુટ્યુબ પર એના ડિસ્પ્લે બોર્ડનું પ્રસારણ પણ શરૂ કર્યું હતું તથા વેબસાઇટ પર એના ચુકાદા અને આદેશો પણ અપલોડ કર્યા હતા. ગુજરાત હાઈ કોર્ટ દેશની પ્રથમ કોર્ટ બની હતી, જેણે કોર્ટની કાર્યવાહીનું સ્ટ્રીમિંગ કર્યું હતું.

પ્રધાનમંત્રીશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, કાયદા મંત્રાલયના ઇ-કોર્ટ્સ ઇન્ટિગ્રેટેડ મિશન મોડ પ્રોજેક્ટ દ્વારા ડિજિટલ માળખાગત સુવિધા સ્થાપિત થઈ છે.

શ્રી મોદીએ જાણકારી આપી હતી કે, અત્યારે 18 હજારથી વધારે કોર્ટનું કમ્પ્યુટરાઇઝેશન થયું છે અને સુપ્રીમ કોર્ટે ટેલી-કોન્ફરન્સિંગ અને વીડિયો કોન્ફરન્સિંગને કાયદેસર મંજૂરી આપ્યા પછી કોર્ટમાં ઇ-કાર્યવાહીને નવો વેગ મળ્યો છે.

પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે, “દુનિયાની તમામ સુપ્રીમ કોર્ટ વચ્ચે આપણી સુપ્રીમ કોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌથી વધુ કેસોની સુનાવણી કરે છે એ આપણા બધા માટે ગર્વની વાત છે.”

પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કેસોના ઇ-ફાઇલિંગ, કેસો માટે યુનિક આઇડેન્ટિફિકેશન કોડ અને ક્યુઆર કોડ દ્વારા સરળતાપૂર્વક ન્યાય મેળવવાની વ્યવસ્થાને નવું પાસું મળ્યું હતું, જે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડની સ્થાપના તરફ દોરી ગયું છે. આ ગ્રિડથી વકીલો અને ફરિયાદીઓને તેમના કેસ વિશે જાણકારી મેળવવામાં મદદ મળશે. ન્યાયિક પ્રક્રિયાની આ સરળતા જીવનની સરળતામાં વધારો કરવાની સાથે વેપારવાણિજ્યની સરળતામાં પણ વધારો થયો છે, કારણ કે વિદેશી રોકાણકારોને તેમના ન્યાયિક અધિકારોની સલામતી વિશે વધારે ખાતરી મળી છે. વિશ્વ બેંકે પણ નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડની પ્રશંસા કરી છે.

સુપ્રીમ કોર્ટ અને એનઆઇસીની ઇ-કમિટીએ ક્લાઉડ-આધારિત સલામત માળખાગત વ્યવસ્થા ઊભી કરી છે. પ્રધાનમંત્રીશ્રીએ જાણકારી આપી હતી કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગની સંભવિતતા ચકાસવવામાં આવી રહી છે, જેથી આપણી વ્યવસ્થા ભવિષ્ય માટે સજ્જ બનશે. એનાથી ન્યાયતંત્રની કાર્યદક્ષતા અને કામ કરવાની ઝડપ એમ બંનેમાં વધારો થશે.

          પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર અભિયાન ન્યાયતંત્રને આધુનિક સ્વરૂપ આપવાના પ્રયાસોમાં મોટી ભૂમિકા ભજવશે. અભિયાન અંતર્ગત ભારત પોતાના આગવા વીડિયો કોન્ફરન્સ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપી રહ્યો છે. હાઈ કોર્ટ અને જિલ્લા અદાલતોમાં ઇ-સેવા કેન્દ્રો ડિજિટલ અસમાનતાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

પ્રધાનમંત્રીશ્રીએ ઇ-લોક અદાલતો વિશે વાત કરતાં 30થી 40 વર્ષ અગાઉ જૂનાગઢમાં ઇ-લોક અદાલતોનો ઉલ્લેખ કર્યો હતો. અત્યારે ઇ-લોક અદાલતો સમયસર અને સુવિધાજનક રીતે ન્યાય મેળવવાનો સ્ત્રોત બની ગયો છે, કારણ કે 24 રાજ્યોમાં લાખો કેસો ચાલી રહ્યાં છે. પ્રધાનમંત્રીશ્રીએ તેમના સંબોધનને અંતે જણાવ્યું હતું કે, વર્તમાન ન્યાયિક વ્યવસ્થા માટે આ ઝડપ, વિશ્વાસ અને સુવિધાની તાતી જરૂર છે. 

-: કેન્દ્રીય કાયદામંત્રી શ્રી રવિશંકર પ્રસાદ :-

આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને દૂરસંચાર મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે ગુજરાત હાઇકોર્ટની સ્થાપનાના ૬૦ વર્ષ પૂર્ણ થવા અવસરે ન્યાયપાલિકા સાથે જોડાયેલા સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા.

       શ્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત મુંબઇથી અલગ થઇને સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું તે પૂર્વે પણ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, કનૈયાલાલ મૂન્શી જેવા વિદ્વત વ્યક્તિઓએ વકાલત દ્વારા અને સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન દ્વારા ગુજરાતનું ગૌરવ ઊજાળ્યું છે.

       આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાત પ્રાચીનકાળથી જ પાવન ધરા છે. અહિં ભગવાન સોમનાથ, દ્વારકાધિશ અને આદ્યશક્તિ અંબાના આશિષ છે, સ્નેહની ઊર્જા છે.

       એટલું જ નહિ, ગાંધી, સરદાર સાહેબ, મૂન્શીજી જેવા મહાન સ્વાતંત્ર્ય વીરોની પ્રેરણા પણ આજે આપણને દેશની ઉન્નતિ માટે સંકલ્પ લેવા પ્રેરિત કરે છે.

       કેન્દ્રીય કાનૂન મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટે સદભાવનો માહોલ તેમજ ન્યાયતંત્રની ગરિમાને ધ્યાનમાં રાખીને અનેક મહત્વના નિર્ણયો કરેલા છે.

       ઇમરજન્સીના સમયકાળમાં દેશના નાગરિકોમાં તેની સામે અવાજ ઉઠાવવાની હિમ્મત પણ ગુજરાત હાઇકોર્ટે બતાવી હતી તેનું ગૌરવ સ્મરણ કરતાં શ્રી રવિશંકર પ્રસાદે ગુજરાત વડી અદાલતના ઇતિહાસને વધુ ઉજ્જવળ બનાવવાની શુભકામનાઓ પાઠવી હતી.

-: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી :-

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતિની ઉજવણી પ્રસંગે સંબોધન કરતાં કહ્યું કે, બૃહદ મુંબઈમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે ઘણા લોકોના મનમાં શંકા હતી કે ખારોપાટ, બંજર જમીન અને આવડો મોટો દરિયાકાંઠો એ સિવાય ગુજરાત પાસે કાંઇ નથી, એ ગુજરાત કરશે શું? પરંતુ ગુજરાતીઓની સૂઝબૂઝ અને સ્વબળ થકી એ જ ગુજરાત આજે દેશમાં વિકાસનું રોલ મોડલ પ્રસ્થાપિત થયું છે.

       મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાત ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાતની સાથે લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતથી પણ ઓળખાવા લાગ્યું છે. ત્યારે ગુજરાતના વિકાસને વધુ વેગવંતો બનાવવો એ સૌ કોઈનું ઉત્તરદાયિત્વ છે. 

       તેમણે કહ્યું કે વિકાસનો આધાર કાયદો વ્યવસ્થા અને ન્યાયતંત્ર પર રહેલો છે ગુજરાતમાં ન્યાયપ્રણાલી દ્વારા ઊભી કરાયેલી સુદ્રઢ વ્યવસ્થાઓએ રાજ્યના શાંતિપૂર્ણ વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. રાજ્યમાં શાંતિ સલામતી અને સુલેહ જાળવવા સરકાર હંમેશા કૃતનિશ્ચયી રહી છે. નિર્દોષને દંડ ન થાય અને દોષિત બચી ન જાય તે આપણા સૌનો ધ્યેય રહ્યો છે તેમાં પણ ન્યાયપાલિકાનો સહયોગ મળી રહ્યો છે.

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના મહામારીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ કપરા કાળમાં પણ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સતત માર્ગદર્શન મળતું રહ્યું. સાથે સંક્રમણ નિયંત્રણની કામગીરી બદલ સરકારને હાઈકોર્ટે બિરદાવી તેનો સૌને આનંદ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

       મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કોરોના કાળમાં પણ ઓનલાઇન સુનાવણી ફુલ કોર્ટ રેફરન્સ દ્વારા યુટ્યુબ પર જીવંત પ્રસારણ કરી ગુજરાત હાઈકોર્ટે ટાઇમલી જસ્ટિસ ફોર ઓવલને સાર્થક કર્યું છે.

       મુખ્યમંત્રીશ્રીએ ૧લી માર્ચથી રાજ્યના મહાનગરોમાં પણ તમામ કોર્ટ ફરી કાર્યરત થવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજ્યની ન્યાયપાલિકાનાં સુચારૂ સંચાલનને વધુ સંગીન અને અદ્યતન બનાવવા રાજ્ય સરકારે ગયા વર્ષના બજેટમાં રૂ. ૧૬૮૦ કરોડની રકમ ફાળવી હતી. 

       ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા લોકશાહીના તમામ આધારસ્તંભો સાથે મળી કાર્ય કરી ન્યાય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

       આ પ્રસંગે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશ જસ્ટીસ શ્રી એમ. આર. શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીશ શ્રી વિક્રમનાથ, ભારતના સોલીસીટર જનરલ શ્રી તુષાર મહેતા તેમજ રાજ્યના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદીએ પ્રાસંગિક સંબોધનો કર્યા હતા અને ગુજરાત હાઇકોર્ટની ૬ દાયકાની ઉત્તરોત્તર પ્રગતિની ભૂમિકા આપી હતી.

       ન્યાયાધિશો, વકીલો, બાર એસોસિએશનના સભ્યો સહિત કાયદા ક્ષેત્રના અગ્રણીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *