ગુજરાત સરકારે પીએમ અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના (PM-AJAY)ના અસરકારક અમલ માટે રાજ્ય કક્ષાના પ્રોજેક્ટ મૅનેજમેન્ટ યુનિટ (PMU)ની સ્થાપના કરી
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ત્વરિત પગલું
PMUની સ્થાપનાથી અનુસૂચિત જાતિના સામાજિક-આર્થિક સશક્તિકરણને મળશે નવી ગતિ
PMU દ્વારા PM-AJAYનુ વધુ શ્રેષ્ઠ અમલીકરણ, નિયમિત મૉનિટરિંગ અને અસરકારક મૂલ્યાંકન કરવામાં આવશે
PMUની સ્થાપના માટે સચિવ સહિત ઉચ્ચાધિકારીઓ ધરાવતી સમિતિની રચના
ગાંધીનગર અનુસૂચિત જાતિના લોકોના સામાજિક-આર્થિક વિકાસ અને સશક્તિકરણની દિશામાં ગુજરાત સરકારે મહત્વનું પગલું ભરતાં ‘પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના (PM-AJAY)’ના અસરકારક અમલીકરણ માટે રાજ્ય કક્ષાએ પ્રોજેક્ટ મૅનેજમેન્ટ યુનિટ (PMU)ની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે. આ PMU આ યોજનાના અમલીકરણની સાથે સાથે તેના મોનિટરિંગ, સંકલન અને મૂલ્યાંકનને વધુ વ્યવસ્થિત તેમજ અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

સંકલિત વ્યવસ્થાથી યોજનાના અમલીકરણ પર રહેશે અસરકારક નજર
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ત્વરિત પગલું ભરી રાજ્ય કક્ષાએ PMUની સ્થાપના તથા તેના માટે એક ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ આ રાજ્ય કક્ષાના PMUમાં State Social Justice Lead તેમજ State Social Justice Coordinatorsનો સમાવેશ કરવામાં આવશે.
મુખ્યમંત્રીના માર્ગદર્શન તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલના નેતૃત્વમાં વિભાગે ભારત સરકારની ગાઇડલાઇન્સ તથા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામકની દરખાસ્ત મુજબ પ્રોજેક્ટ મૅનેજમેન્ટ યુનિટ (PMU)ની સ્થાપના તથા તેના માટે પસંદગી સમિતની રચના કરવા માટે ગત 06 ઑગસ્ટ, 2026ના રોજ ઠરાવ કર્યો છે. PMU તરીકે આ નવી વ્યવસ્થાથી PM-AJAY હેઠળ હાથ ધરવામાં આવતી કામગીરીની નિયમિત દેખરેખ, વિભાગો વચ્ચે વધુ સારૂ સંકલન અને યોજનાઓની પ્રગતિનું વ્યવસ્થિત મૂલ્યાંકન શક્ય બનશે. આનાથી યોજનાના ઉદ્દેશોને વધુ અસરકારક રીતે પાર પાડી શકાશે.
ઉચ્ચ કક્ષાની પસંદગી સમિતિની પણ રચના
PMU માટે ગુજરાત સરકારે ઉચ્ચ કક્ષાની પસંદગી સમિતિની રચનાને પણ મંજૂરી આપી છે. સમિતિમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ કક્ષાના વરિષ્ઠ અધિકારીઓની સાથે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના સંબંધિત અધિકારી તેમજ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના એક પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામકને સમિતિના સભ્ય સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. PMUના કર્મચારીઓની પસંદગી અને નિમણૂક સંબંધિત જરૂરી પ્રક્રિયા પણ આ વ્યવસ્થા હેઠળ પૂર્ણ કરવામાં આવશે.
કોને અને શું લાભ થશે?
* અનુસૂચિત જાતિ વર્ગને :
PM-AJAY દ્વારા સામાજિક-આર્થિક વિકાસ અને સશક્તિકરણ સાથે જોડાયેલા પ્રયાસોના અમલીકરણ પર વધુ અસરકારક દેખરેખ રાખી શકાશે.
* યોજનાના લાભાર્થીઓને :
યોજનાના કાર્યોની નિયમિત મોનિટરિંગ અને મૂલ્યાંકનથી સરકારી પ્રયાસોને વધુ વ્યવસ્થિત અને પરિણામલક્ષી બનાવવામાં મદદ મળશે.
* વિભાગીય વહીવટી તંત્રને:
PMU મારફતે યોજના સાથે જોડાયેલા કાર્યોની પ્રગતિ, સંકલન અને મૂલ્યાંકન માટે એક સમર્પિત રાજ્ય કક્ષાની વ્યવસ્થા ઉપલબ્ધ થશે.
* યોજનાના અમલીકરણમાં :
જવાબદારીઓ અને પ્રક્રિયાઓને વધુ વ્યવસ્થિત કરવા, પ્રગતિની દેખરેખ રાખવા તેમજ જરૂરી સુધારાઓ સમયસર અમલમાં મૂકવામાં સરળતા રહેશે.
કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર થશે કામગીરી
રાજ્ય સરકારના ઠરાવ અનુસાર PMUની ભરતી પ્રક્રિયા, કર્મચારીઓની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, માનદ વેતન, કાર્યકાળ અને સેવા શરતો ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની 16 જૂન, 2026ની માર્ગદર્શિકા તેમજ સમયાંતરે કરવામાં આવતા સુધારાઓ અનુસાર રહેશે. સાથે જ; PM-AJAY સંબંધિત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવનારી આગામી માર્ગદર્શિકા અને સૂચનાઓનું પણ પાલન કરવામાં આવશે.
સશક્ત મોનિટરિંગથી સશક્તિકરણની દિશામાં મજબૂત પગલું
ગુજરાત સરકારનો આ નિર્ણય PM-AJAYના અમલીકરણને માત્ર વહીવટી રીતે મજબૂત કરવા પૂરતો સીમિત નથી, પરંતુ અનુસૂચિત જાતિ વર્ગના સામાજિક-આર્થિક વિકાસ અને સશક્તિકરણ માટે હાથ ધરવામાં આવતા પ્રયાસોને વધુ અસરકારક, સંકલિત અને પરિણામલક્ષી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. રાજ્ય કક્ષાએ સમર્પિત PMUની સ્થાપના થવાથી યોજનાની પ્રગતિ પર સતત નજર રાખવા અને તેની અસરનું વધુ સારું મૂલ્યાંકન કરવાની વ્યવસ્થા મજબૂત બનશે.