રાજ્યના કર્મચારીઓને તબીબી પ્રમાણપત્ર મેળવવામાં વધુ સુવિધા મળે અને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતેના સ્થાયી તબીબી મંડળ (પરમાનેન્ટ મેડિકલ બોર્ડ)નું કાર્યભારણ ઘટે; તે હેતુથી રાજ્ય સરકારે અમદાવાદની GMERS હૉસ્પિટલ, સોલા ખાતે ત્રણ સભ્યોનું નવું સ્થાયી તબીબી મંડળ રચવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની મંજૂરીથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી વ્યવસ્થા હેઠળ શિક્ષણ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને તબીબી કારણોસર બદલી અથવા કક્ષાબદલી માટે જરૂરી પ્રમાણપત્ર સોલા GMERS હૉસ્પિટલ ખાતે મળી શકશે.
શિક્ષણ વિભાગના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો, વિદ્યાસહાયક તથા મદદનીશ શિક્ષકોને ગંભીર અને અસાધ્ય બીમારીના કિસ્સામાં આંતરિક અથવા જિલ્લા ફેરબદલી માટે તબીબી પ્રમાણપત્રની જરૂર પડે છે. નવી વ્યવસ્થા હેઠળ અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાના આવા કર્મચારીઓનું તબીબી પરીક્ષણ સોલા GMERSના સ્થાયી મેડિકલ બોર્ડ દ્વારા કરવામાં આવશે. આ આઠ જિલ્લાઓ સિવાયના કર્મચારીઓ માટે નજીકના સ્થાયી તબીબી મંડળ મારફતે પ્રમાણપત્ર મેળવવાની અગાઉની વ્યવસ્થા યથાવત રહેશે.
GSRTCના કક્ષાબદલી સંબંધિત કેસોમાં અમદાવાદ, મહેસાણા, હિંમતનગર અને પાલનપુર વિભાગના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને પણ આ નવી સુવિધાનો લાભ મળશે. તેમના તબીબી પરીક્ષણ બાદ કાયમી ‘ફિટ’ અથવા ‘અનફિટ’ પ્રમાણપત્ર સોલા GMERSના મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવશે. અન્ય વિભાગોના કર્મચારીઓ માટે સંબંધિત જિલ્લા તબીબી બોર્ડની વ્યવસ્થા ચાલુ રહેશે.
ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો, 2002 હેઠળ અમદાવાદ સહિત જામનગર, વડોદરા અને સુરતમાં તબીબી મંડળો કાર્યરત છે. અત્યાર સુધી ઉપરોક્ત શિક્ષણ વિભાગના આઠ જિલ્લાઓ તેમજ GSRTCના ચાર વિભાગના કર્મચારીઓની મોટી સંખ્યામાં તબીબી પ્રમાણપત્ર સંબંધિત કામગીરી અમદાવાદ સિવિલના સ્થાયી તબીબી મંડળ સાથે જોડાયેલી હતી. તેના કારણે ત્યાં કાર્યભારણ વધતું હતું.
સોલા GMERS ખાતેના નવા મંડળમાં ત્રણ સભ્યો રહેશે. તેના અધ્યક્ષ તરીકે સિવિલ સર્જન અથવા મેડિસિનના સિનિયર પ્રોફેસરની નિમણૂક કરવામાં આવશે. અધ્યક્ષ અને અન્ય સભ્યોની સત્તાવાર નિમણૂક સંબંધિત મેડિકલ કૉલેજ સંલગ્ન હૉસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા કરવામાં આવશે.
આ નિર્ણયથી તબીબી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ થશે. એક તરફ કર્મચારીઓને નિર્ધારિત મેડિકલ બોર્ડની સુવિધા મળશે, તો બીજી તરફ અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સ્થાયી તબીબી મંડળ પરનો કાર્યભાર ઘટશે. પરિણામે શિક્ષણ વિભાગ તથા એસ.ટી. નિગમના નિર્ધારિત કર્મચારીઓની તબીબી આધારિત બદલી અને કક્ષાબદલી પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનવાની અપેક્ષા છે.