રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો અર્પણ કરીને સમાજના ઘડવૈયા એવા ગુરુવર્યો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

દર વર્ષે ૫મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા શિક્ષકોના કલ્યાણ અને સન્માન અર્થે આ નિધિમાં અંશદાન આપવાની પરંપરા છે. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો શિક્ષક કલ્યાણ નિધિનો ફાળો એકત્રિત કરવા માટે લોકભવન ખાતે પહોંચ્યા હતા.
લોકભવન ખાતે પધારેલા ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સાથે સ્નેહસભર સંવાદ સાધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, મનુષ્યના જીવનમાં શિક્ષણ સૌથી વધુ મહત્વપૂર્ણ છે અને શિક્ષણ દ્વારા જ મનુષ્યનો સાચો અને સર્વાંગી વિકાસ શક્ય બને છે. તેમણે બાળકોને મન દઈને અભ્યાસ કરવાની શીખ આપી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે સાથે ઉત્તમ નૈતિક સંસ્કારો અને સ્વાસ્થ્ય કેળવવું પણ એટલું જ અનિવાર્ય છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમશેટ્ટી, ડેપ્યુટી કલેક્ટરશ્રી નિહારિકા સુવેરા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. બી.એન. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ. પીયુષભાઈ પટેલ, મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી હાર્દિકકુમાર પટેલ તેમજ વિવિધ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.