ગુજરાતમાં એનાલોગ પનીરના પ્રોડક્શન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ, ૫ ફેક્ટરીઓ સીલ: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા
રાજ્યમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા માફિયાઓ સામે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક પણ ભેળસેળિયા માફિયાને સાંખી લેવામાં આવશે નહીં.

આરોગ્ય મંત્રીશ્રીએ ગૃહમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ‘એનાલોગ પનીર’ના પ્રોડક્શન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
આ પ્રકારનું પનીર મુખ્યત્વે પામ ઓઇલ અને મિલ્ક પાવડરના મિશ્રણથી બનાવવામાં આવતું હોય છે, જે વાસ્તવમાં પનીર હોતું જ નથી અને તેનાથી ફેટી લિવર જેવી ગંભીર બીમારીઓ થાય છે. આ પ્રતિબંધના કારણે રાજ્યની ઓરિજિનલ અને સ્ટાન્ડર્ડ સહકારી ડેરીઓના પનીર, ચીઝ અને બટરનું વેચાણ વધ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આરોગ્ય વિભાગની કામગીરીની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા ૪-૫ મહિનાથી રાજ્યભરમાં ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ફૂડ પોઇઝનિંગ કે આરોગ્યને ભારે નુકસાન પહોંચાડે તેવા વધુ પડતા કલર કે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના પોઝિટિવ રિપોર્ટ આવતા નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઊંઝામાં વરિયાળી અને જીરામાં કલર ભેળવતી ૫ ફેક્ટરીઓને તાજેતરમાં સીલ કરવામાં આવી છે.
ધારાસભ્યશ્રી દ્વારા બનાસકાંઠા અને અન્ય વિસ્તારોમાં નકલી તેલ અને ઘીના વેચાણ અંગે રજૂ કરાયેલી ચિંતાના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે, ફૂડ એક્ટ ૨૦૦૬ હેઠળ અનસેફ ખાદ્યપદાર્થોના કિસ્સામાં જેલ અને દંડની જોગવાઈ છે. જો કોઈ પણ નાગરિક કે લોકપ્રતિનિધિ પાસે નકલી કે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ બનાવનારાઓની નાની સરખી માહિતી પણ હશે, તો સરકાર તેના પર તાત્કાલિક અને સખત કાનૂની કાર્યવાહી કરશે.
*****