વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’

અંબાજીથી બાઇક યાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ: કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર યાત્રામાં જોડાયા

માઁ અંબાના ચરણોમાં શીશ નમાવી મંત્રીશ્રીઓએ શરૂ કરી સેવાયાત્રા; જલોત્રા ખાતે ઉષ્માભર્યું સ્વાગત અને વૃક્ષારોપણ કરાયું
બનાસકાંઠામાં સ્વચ્છતા, વૃક્ષારોપણ અને જનજાગૃતિ સાથે આજે બાઈક યાત્રા થરાદ ખાતે પહોંચશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ જાહેર જીવન અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી એક ભવ્ય બાઇક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે માઁ અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. પ્રસ્થાન પૂર્વે મંત્રીશ્રીઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરીને જનસામાન્યને સ્વચ્છતાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.
અંબાજી ખાતેથી લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવેલી આ બાઇક યાત્રા જલોત્રા ખાતે પહોંચતાં ગ્રામજનો અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા ઢોલ-નગારા અને કંકુતિલક સાથે ઉષ્માભર્યું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વસંતભાઈ પુરોહિત સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીઓએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતાં જલોત્રા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું તેમજ શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધી શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી.
આ બાઇક યાત્રા દરમિયાન મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રીથી લઈને દેશના પ્રધાનમંત્રી તરીકેના પોતાના શાસનકાળમાં છેવાડાના માનવીના ઉત્થાન માટે અવિરત કાર્ય કર્યું છે. તેમના ૨૫ વર્ષના સેવા-સમર્પણ કાર્યકાળને ઉજાગર કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા આગામી ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન સમગ્ર ગુજરાતમાં વ્યાપક સ્તરે ‘સેવા સંકલ્પ અભિયાન’ હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ, રક્તદાન શિબિરો અને વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે.
આ મુખ્ય અભિયાનના આગોતરા પર્વ રૂપે ૧૩ સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં ‘વડનગર થી વારાણસી સેવાયાત્રા’ બાઇક રેલીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના ૪ પવિત્ર યાત્રાધામો—દક્ષિણ ગુજરાતમાં ઉનાઈ માતાના મંદિર, અરવલ્લીમાં શામળાજી, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને આદ્યશક્તિ પીઠ અંબાજી ખાતેથી અલગ-અલગ રૂટ પર આ બાઇક યાત્રાઓ પ્રસ્થાન થઈ છે. લોકસંપર્ક અને રાષ્ટ્રસેવાનો સંકલ્પ લઈને નીકળેલી આ ચારેય યાત્રાઓ ૧૬ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રીના વતન વડનગર ખાતે ત્રિવેણી સંગમ સમાન એકત્ર થશે.
અંબાજીથી શરૂ થયેલી આ યાત્રા આજે પોતાના નિર્ધારિત રૂટ મુજબ જલોત્રા, પાલનપુર, ચંડીસર, ડીસા, લાખણી અને આગથળા થઈને થરાદ ખાતે પહોંચશે. શામળાજીથી શરૂ થયેલી આ યાત્રાનો આજે બીજો દિવસ હોવાથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં યુવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માર્ગમાં ઠેર-ઠેર સામાજિક સંસ્થાઓ અને નાગરિકો દ્વારા યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું છે.