ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે શ્રી ગણેશજીની ભવ્ય આરતી અને પૂજનનું આયોજન

સિદ્ધપુર :- ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર ખાતે વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ શ્રી ગણેશજીની આરતી તથા પૂજનનું પાવન આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પસ ભક્તિમય વાતાવરણમાં ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યું હતું.આ શુભ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સિદ્ધપુરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી બલવંતસિંહ રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો, યુનિવર્સિટીના તમામ વિભાગોના માનનીય ડીનશ્રીઓ, વિવિધ ફેકલ્ટીના પ્રાધ્યાપકશ્રીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીમિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી ગણેશજીનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સૌએ સાથે મળીને ગણેશજીની આરતી કરી હતી. ધારાસભ્યશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, શ્રી ગણેશજી એ જ્ઞાન અને સફળતાના પ્રતીક છે. વિદ્યાર્થી જીવનમાં તેમની ઉપાસનાથી એકાગ્રતા અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.આ પ્રસંગે યુનિવર્સિટી પરિવાર દ્વારા શ્રી ગણેશજીના આશીર્વાદથી ગોકુલ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન, સફળતા, સુખ-સમૃદ્ધિ અને નવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.અંતે સૌને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
