ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં હજારો શ્રદ્ધાળુઓએ દીપ પ્રગટાવી વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી

વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે દિવ્ય રોશની અને ભજનોની સુરાવલીથી વાળીનાથ પરિસર ઝળહળી ઉઠ્યું

હજારો નાગરિકો અને સેવાભાવીઓએ એકસાથે દીપ પ્રગટાવી ‘સેવા સંકલ્પ અભિયાન’ને બનાવી યાદગાર

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થાનક વાળીનાથ મંદિર (તરભ) ખાતે ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય અને દિવ્ય ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભગવાન વાળીનાથના પવિત્ર સાન્નિધ્યમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિસનગરની ભજન મંડળની સ્થાનિક બહેનો તેમજ કાર્યકર્તાઓ અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ૧૭મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ પ્રસંગે શ્રદ્ધાળુઓ અને કાર્યકર્તાઓએ એકત્રિત થઈને દીપમાળા પ્રગટાવી દેશના નેતા પ્રત્યે આદર અને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૫ વર્ષથી વધુ સમયથી સતત ૩૬૫ દિવસ અને દિવસના ૧૮-૧૮ કલાક એક પણ રજા લીધા વગર અવિરતપણે ભારત અને ગુજરાતની સેવા કરી છે. આ પવિત્ર અવસરે ભગવાન વાળીનાથના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી છે કે પ્રભુ તેમને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આપે, જેથી તેઓ આ જ રીતે નિરંતર દેશની સેવા કરતા રહે અને તેમને જનતાના આશીર્વાદ સતત મળતા રહે.

મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અદ્ભુત ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વાળીનાથ ધામના વિશાળ મંદિર પરિસરમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ એકસાથે હાથમાં દીવડા ધારણ કરી સમગ્ર વાતાવરણને દિવ્ય રોશનીથી ઝળહળતું કરી દીધું હતું. ભજનોની સુરાવલી અને મંત્રોચ્ચાર વચ્ચે ઉપસ્થિત જનમેદની ઝૂમી ઉઠી હતી અને ભક્તિરસમાં લીન થઈ ગઈ હતી.

આ પ્રસંગે વિસનગર તાલુકા પંચાયત પ્રમુખ ઇન્દ્રવદનભાઈ, વિસનગર એપીએમસી ચેરમેન જયંતીભાઈ પટેલ, વિસનગર પ્રાંત અધિકારી અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *