આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ગરૂડેશ્વર સરકારી હોસ્પિટલની રાત્રિની આકસ્મિક મુલાકાતના 24 કલાકમાં જ કાર્યવાહી શરૂ…

માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ, સુવિધાસભર અને દર્દીકેન્દ્રિત બનાવવાના અભિગમને આગળ વધારતા રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ગત તા. 22 સપ્ટેમ્બરના રોજ રાત્રે ગરુડેશ્વર તાલુકાની સરકારી SDH હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ રાત્રિના સમયે હોસ્પિટલમાં હાજર દર્દીઓ, તેમના સ્વજનો તેમજ આરોગ્ય કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરી હોસ્પિટલની કામગીરી, ઉપલબ્ધ સુવિધાઓ અને ભવિષ્યની જરૂરિયાતો અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાને લઈ આરોગ્ય મંત્રીશ્રીએ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓના વિસ્તરણ માટે તાત્કાલિક પગલાં ભરવા PIU વિભાગને ટેલીફોનીક સૂચના આપી હતી. ખાસ કરીને હોસ્પિટલમાં ઉપરના માળના વિસ્તરણ, ડાયાલિસિસ સેન્ટરની સ્થાપના, દર્દીઓના સ્વજનો માટે નવા ભવનની સુવિધા સહિત દર્દીહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે તેમણે PIU (Health) વિભાગને તાત્કાલિક આયોજન હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.

મંત્રીશ્રીની સૂચનાના માત્ર 24 કલાકની અંદર જ PIU (Health) વિભાગના અધિકારીઓ દ્વારા ગરુડેશ્વર SDH હોસ્પિટલની સ્થળ મુલાકાત લઈ જરૂરી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે. સ્થળ નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલના ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિસ્તરણ માટે ઉપલબ્ધ જગ્યા, નવા ડાયાલિસિસ યુનિટની સ્થાપના, દર્દીઓ અને તેમના સ્વજનો માટે વધારાની સુવિધાઓ ઊભી કરવાની જરૂરિયાતો તેમજ ભવિષ્યમાં વધતા દર્દી ભારને પહોંચી વળવા માટે જરૂરી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા અને ટેકનિકલ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

PIU (Health) વિભાગના ના કાર્યપાલક ઇજનેર શ્રી અમિષ એસ. પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રીશ્રીની સૂચનાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થળ મુલાકાતના આધારે હોસ્પિટલના સર્વાંગી વિકાસ માટે જરૂરી ટેકનિકલ વિગતો, અંદાજિત ખર્ચ અને અમલીકરણની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ વિગતવાર પ્રોજેક્ટ આગામી બે દિવસમાં આરોગ્ય મંત્રીશ્રી સમક્ષ રજૂ કરવામાં આવશે, જેથી જરૂરી મંજૂરી મેળવી વિકાસકાર્યોને ઝડપથી અમલમાં મૂકી શકાય.

ગરુડેશ્વર SDH હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. શૈલેશ ભીલે જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રીશ્રીની આકસ્મિક મુલાકાત દરમિયાન હોસ્પિટલના વિવિધ વિભાગો, દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા, ઇમરજન્સી સેવાઓ, લેબોરેટરી વ્યવસ્થા, સ્વચ્છતા અને દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને હોસ્પિટલમાં દર્દીઓને વધુ ગુણવત્તાસભર અને સુવિધાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી તમામ સંકલન કરવામાં આવી રહ્યું છે.

આરોગ્ય મંત્રીશ્રીની સંવેદનશીલ અને દર્દીકેન્દ્રિત પહેલના પરિણામે ગરુડેશ્વર SDH હોસ્પિટલમાં સુવિધા વિસ્તરણની કામગીરીને નવી ગતિ મળી છે. આગામી સમયમાં હોસ્પિટલમાં નવી ડાયાલિસિસ સેવા, વધારાની માળખાકીય સુવિધાઓ અને દર્દીઓના સ્વજનો માટે વધુ અનુકૂળ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનતા નર્મદા જિલ્લાના હજારો નાગરિકોને પોતાના જિલ્લામાં જ વધુ સશક્ત અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનો લાભ મળશે.

મંત્રીશ્રીની આ પહેલ રાજ્ય સરકારના “દર્દીને કેન્દ્રમાં રાખી આરોગ્ય સેવા”ના અભિગમને વધુ મજબૂત બનાવતી સાબિત થશે અને ગરુડેશ્વર SDH હોસ્પિટલને વિસ્તારની મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થા તરીકે વધુ સક્ષમ બનાવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *