મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની સમીક્ષા કરી

મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની સમીક્ષા કરી

વન બોર્ડર-વન પિક્ચર-વન ચેઈન ઓફ એક્શન અંતર્ગત સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા ફ્રેમવર્ક મજબૂત અને સંકલિત બનાવવા પર સામૂહિક મંથન થયું

સરહદી વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ-ઘૂસણખોરી-નશીલા પદાર્થોની હેરાફેરી કરાવનારાઓને સ્પષ્ટ સંદેશ આપીએ કે ગુજરાતમાં હવે આવા કૃત્યો ચાલશે નહિ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

રોજીંદા કામો અને સરહદી સુરક્ષાને લગતા કામોમાં મોટો ફેર છે. ઉત્સાહી અને ખંતીલા લોકોને જોડીને વિના વિલંબે પરિણામદાયી કામ થાય તે સુનિશ્ચિત કરીએ: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઝને ઈન્ટીગ્રેટેડ એપ્રોચથી કાર્યરત રહેવાનો અનુરોધ કરી નાયબ મુખ્યમંત્રીશ્રીએ દબાણો દૂર કરવાના કામો અટકે નહિ તેવી તાકીદ કરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે તાજેતરમાં સરહદી જિલ્લા ભૂજમાં યોજેલી બેઠકમાં સરહદ રક્ષક દળો, કેન્દ્રીય એજન્સીઓ, રાજ્ય અને જિલ્લા તંત્ર અને નાગરિકો એમ ચાર સ્તંભ આધારિત આ ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડનો ખ્યાલ આપેલો છે.

આ સંદર્ભમાં વન બોર્ડર-વન પિક્ચર-વન ચેઈન ઓફ એક્શન અંતર્ગત સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા ફ્રેમવર્ક મજબૂત અને સંકલિત બનાવવાની દિશામાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં સામૂહિક મંથન કરવામાં આવ્યુ હતું.

ખાસ કરીને ઘૂસણખોરી, નશીલા પદાર્થો, વસ્તી સંતુલન, આર્થિક ગુના સહિતના 6 મુખ્ય ક્ષેત્રો પર ફોકસ કરીને સરહદી વિસ્તારોમાં થતી આવી ગતિવિધિઓ પર સતત નિગરાની અને પગલાઓ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ તંત્રના સંકલનથી થઈ રહેલા આ પ્રયાસની સરાહના કરી હતી.

તેમણે કહ્યું કે, 360 ડિગ્રી દેખરેખનો દરેક વિભાગનો એપ્રોચ વધુ સઘન બનાવીને આપણે સરહદી ક્ષેત્રોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ, ઘુસષણખોરી, નશીલા પદાર્થોની હેરફેર અને ગેરકાયદે દબાણો કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપવો છે કે ગુજરાતમાં હવે આવી પ્રવૃત્તિઓ કે કૃત્યોને ક્યાંય સ્થાન નથી અને આવી પ્રવૃત્તિઓ ચલાવી પણ લેવાશે નહિ.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સંબંધિત વિભાગોએ ક્ષમતાથી પણ ઘણુ સારૂ કાર્ય કર્યુ છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે સરહદી વિસ્તારના સેફ્ટી કન્સર્નને અગ્રતા આપતાં કામોને રોજીંદા કામો કરતાં અલગ પ્રકારના ગણાવતાં આવા કામોને સિસ્ટમના તૌર પર લેવા કરતાં ઉત્સાહી અને ખંતીલા લોકોને જોડીને પરિણામદાયી કામો વિના વિલંબે થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મુક્યો હતો.

કેન્દ્રીય અને રાજ્ય સરકારની એજન્સીઝને ઈન્ટીગ્રેટેડ એપ્રોચથી પરસ્પરના સંકલન સાથે કાર્યરત રહેવાનો અનુરોધ કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ દબાણો દૂર કરવાના કામો અટકે નહિ તેની પણ તાકીદ કરી હતી.

આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ, મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ તથા સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવો, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, વિવિધ વિભાગોના અગ્ર સચિવશ્રીઓ અને રાજ્ય પોલીસ દળના ડીજીપી, એડીજીપી તથા રેન્જ આઈ.જી. કક્ષાના અધિકારીઓ અને સરહદી જિલ્લાના કલેક્ટરો, પોલીસ અધિક્ષકો પણ જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *