કડી સર્વ વિશ્વવિદ્યાલય યુવક મહોત્સવ “સંગત ૨૦૨૬” નો ઉત્સાહભેર પ્રારંભ
“Bharat Vision-Rooted to Rise” વિષય પર યુવાઓની ભવ્ય રજૂઆત
ટેકનોલોજી ગમે તેવી આગળ વધે પણ અભિવ્યક્તિ હમેશા હૃદયથી જ થાય છે-વલ્લભભાઈ એમ પટેલ

સર્વ વિદ્યાલય કેળવણી મંડળની ગુજરાતના ઉચ્ચશિક્ષણ જગતમાં પ્રતિષ્ઠિત ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુવક મહોત્સવનું આયોજન ૨૮ અને ૩૦ સપ્ટેમ્બર તેમજ ૦૧ ઓકટોબર ના રોજ કડી સ્થિત એસ. વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ તેમજ શ્રીમતી એમ. પી. પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સેન્ટર ફોર પ્રોફેસનલ કોર્સના યજમાન પદે આયોજિત થયો હતો.
સંગત-૨૦૨૬ ના કન્વીનર અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન ડો.ભાવિન પંડ્યાએ માનનીય ચેરમેનશ્રી અને મહેમાનોને આવકારી સમગ્ર ત્રીદિવસીય કાર્યક્રમનો અહેવાલ આપ્યો હતો. આ યુવા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તેમજ સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન માનનીય શ્રીવલ્લભભાઈ એમ પટેલ સાહેબે અધ્યક્ષ પદે વિશેષ ઉપસ્થિત રહી કહ્યું હતું કે આ ઉત્સવ વિદ્યાર્થીઓનો છે જેમાં વિદ્યાર્થીઓ પોતાની કળાને પ્રગટ કરે છે અને અભ્યાસની સાથે પોતાની પ્રતિભાને વિકસાવીને આજ સંસ્થાના વિદ્યાર્થીઓ કલાના વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરી આવા પ્રસંગે મહેમાન તરીકે પધારે તે સંસ્થા અને તેમના માટે ગૌરવપૂર્ણ ઘટના છે. તેમને ઉમેર્યું હતું કે ટેકનોલોજી ગમે તેવી આગળ વધે પણ અભિવ્યક્તિ હમેશા હૃદયથી જ થાય છે. સંગત-૨૦૨૬ માં સંસ્થાના મંત્રી શ્રી મણીભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ તેમજ યુનિવર્સિટીના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડો.ગાર્ગી રાજપરા ઉપસ્થિત રહ્યા હતા. આ યુવક મહોત્સવમાં ધ્વનિ ગૌતમ-ડાયરેક્ટર,લેખક, દેવાંગ ચૌહાણ-ગાયક-સંગીતકાર, રાહુલ વાણીયા-ડાયરેક્ટર,લેખક, કેયા પાટીલ-ગાયિકા અને રૂદ્રી જોશી-ભારતનાટ્યમ નૃત્યાંગના ઉપસ્થિત રહી પ્રેરણાત્મક ઉદબોધન કરી કહ્યું હતું કે આ સંસ્થાનો અમારી સફળતામાં સિંહ ફાળો રહ્યો છે.
આ યુવક મહોત્સવમાં વિવિધ કેટેગરી જેવી કે ડાન્સ ,ફાઈન આર્ટસ, મ્યુઝીક, સાહિત્યિક અને થીએટર જેવી કુલ ૨૫ સ્પર્ધાઓમાં યુનિવર્સિટીના ૨૩ ડિપાર્ટમેંટસ અને કોલેજોના ૧૩૬૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો જેમાંથી આ ૨૫ સ્પર્ધાઓમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં યુવા મહોત્સવના સંયોજક અને કન્વીનર ડો. કપિલ ત્રિવેદીએ ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી સ્પર્ધામાં વધુમાં વધુ વિદ્યાર્થિઓ ભાગ લે તેવી આશા વ્યકત કરી આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં કડી કેમ્પસ ડાયરેક્ટર ડો.અજય ગોર સહિત તમામ કોલેજના ડિન, આચાર્યશ્રીઓ અને કોલેજ કો-ઓર્ડિનેટર્સ,કો-હોસ્ટ કોલેજના કો-ઓર્ડિનેટર્સ તેમજ અધ્યાપશ્રીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ યુવા મહોત્સવ સંગત ૨૦૨૬ને સફળ બનાવવા માટે યજમાન કોલેજોના ચીફ કન્વીનરના માર્ગદર્શન હેઠળ કો-કન્વીનર ડો.પ્રીતિ સાલવી તેમજ ડો.વૈભવી શાહ તેમજ કોલેજ અને યુનિવર્સિટીના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓએ ખુબ જ જહેમત ઉઠાવી છે